Gujarat

હવે ખનીજ માફિયાઓનો ઇસરા નજીકની વેણુ નદી પર ડોળો : રાત્રી દરમિયાન રેતીની બેરોકટોક ચોરી

ખાણીજચોરો સસ્તામાં રેતી વેચી નાખતા હોવાથી કાયદેસર લિઝ ધારકો મુશ્કેલીમાં
ઉપલેટા તાલુકાના ઈસરા ગામની વેણુ નદી માંથી ખનીજ માફિયાઓ બેફામ રીતે રેતીની ચોરી કરી સસ્તામાં વેચી નાખતા હોવાથી આજુબાજુમાં કાયદેસરની લીઝ ધરાવતા લીઝ હોલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે. લાગતા વળગતા સત્તાધીશોને આ બધું જાણતા હોવા છતાં  વેણુ નદીમાંથી રેતી ચોરતા તત્વોને પકડતા ન હોવાથી સરકારી તંત્રોની કાયદેસરની તેમની સાથે મીલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
 આ બાબતે મળતી વિગતો મુજબ ઉપલેટા તાલુકાના ઈસરા ગામ નજીકથી પસાર થતી વેણુ નદીમાંથી હાલના દિવસોમાં બેરોકટોક રેતીની ચોરી થઈ રહી છે. આ બાબતે અનેક વખત રજૂઆતો તેમજ અખબારી અહેવાલો પછી પણ લાગતા વળગતા સત્તાધીશો જાગતા ન હોવાથી ખનીજ ચોરોને પ્રોત્સાહન મળે છે.
 સૌથી દુઃખની વાત એ જોવા મળી કે વેણુ નદીની આસપાસ અમુક હોલ્ડરો કાયદેસરની લીઝ પરમીટ ધરાવે છે. ત્યારે બીજી બાજુ ખનીજ ચોરો નદીમાંથી રેતી કાઢીને સસ્તા ભાવે બજારમાં વેચી નાખતા હોવાથી સરકારને પૈસા ભરીને કાયદેસરની લિઝ ચલાવતા લીઝ હોલ્ડરો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
 જાણકારો કહે છે કે ધોરાજી, ઉપલેટા તેમજ રાજકોટ જિલ્લા ભરના ખાણ ખનીજ તંત્રના સત્તાધીશો ખનીજ માફિયાઓ સાથે ઊંડો ઘરોબો ધરાવે છે. તમામ સત્તાધીશોને રેતી ચોર મોં માગ્યા પૈસાના હપ્તા  ચૂકવે છે એટલે સત્તાધીશો  આવી રેતી ચોરી ઉપર કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરતા નથી.
 જાણકારોએ ત્યાં સુધી કહ્યું કે ઈસરા ગામ ની વેણુ નદીમાંથી રાત્રી દરમિયાન છેક સવાર સુધી રેતી ચોરી કરવામાં આવે છે. આખી રાત ખનીજ માફિયાઓના વાહનો રોડ ઉપર દોડ્યા કરે છે. રાત્રીના કોઈ સરકારી તંત્રો ફરજ પર ન હોવાથી રેતી ચોરતા ખનીજ માફિયાઓને બળ મળે છે.
 સવાર થતાં જ રેતી ચોરી કરતા માફિયાઓ ગુમ થઈ જાય છે અને દિવસ દરમિયાન આવી રેતી ચોરી પ્રવૃત્તિથી દૂર રહે છે. સરકારી તંત્ર માત્ર દિવસના તપાસ કરે છે અને દિવસ દરમિયાન કોઇ રેતી ચોરી પ્રકાશમાં આવતી ન હોવાથી નીલ રિપોર્ટ કરીને કામગીરી કરી લીધાનો સંતોષ માને છે.
 ખરેખર લાગતા-વળગતા સત્તાધીશોએ ઉપલેટા તાલુકાના ઈસરા ગામની વેણુ નદી માંથી રાત્રિના સમયે ચોરી થતી રેતી ચોરીના રેકેટનું પર્દાફાશ કરવાની જરૂર છે. ત્યાંરે સમય બતાવશે કે લાગતા વળગતા સત્તાધીશોને ઉપલેટા તાલુકાના ઈસરા ગામ ની વેણુ નદીમાંથી થતી રેતીચોરી અટકાવી શકશે કે પછી આર્થિક વહીવટ કરી લેશે ??
હરેશ ભાલીયા જેતપુર

Amit-1024x542__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *