ગાંધીનગર
શિક્ષણનો અધિકાર કાયદાના અસરકારક અમલીકરણ તરફ કામ કરવા માટે શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને કાર્યકરોને સાથે લાવવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન કોન્કલેવ યોજવામાં આવી હતી. આ પ્રસંગે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ ના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીથી લઈને આજ સુધીની કોઈપણ શિક્ષણ નીતિમાં શિક્ષણને વ્યવસાયિક પ્રવૃત્તિ તરીકે માન્યતા આપવામાં આવી નથી. જાે કે એ અલગ વાત છે કે લોકો શિક્ષણમાંથી પૈસા કમાય છે. શૈક્ષણિક સંસ્થાઓ એક રાષ્ટ્રીય સંસાધન (નેશનલ રિસોર્સ) છે અને રાષ્ટ્રના દરેક બાળકનો આ રાષ્ટ્રીય સંસાધન પર સમાન અધિકાર છે. ૬ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકોને શિક્ષણનો બંધારણીય અધિકાર છે. જાે કે, બાળકો વિરોધ કરી શકતા નથી, આંદોલન કરી શકતા નથી, રસ્તાઓ પર આવી શકતા નથી અને તેમના અધિકારોનો દાવો કરવા માટે જાહેર હિતની અરજી કરી શકતા નથી. તેથી આ બાળકોને તેમના હક્કો મળે તે માટે સરકારે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ઘડ્યો છે. આ નિમિત્તે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં અનામત બેઠકો પર પ્રવેશ કેવી રીતે મેળવવો તે બાબતે સામાન્ય જનતાને માર્ગદર્શન મળી રહે તે હેતુથી જીએનએલયુ સેન્ટર ફોર વુમન ઓન ચાઈલ્ડ રાઈટ્સના વિદ્યાર્થી – સભ્યોએ સરળ અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવેલ હેન્ડબુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતાં. ઉપરાંત ઈન્ડસ એક્શનના એસોસિયેટ ડિરેક્ટર માધુરી ધારીવાલ, જીએનએલયુના ડાયરેક્ટર પ્રોફેસર એસ. શાંથાકુમાર, જીએનએલયુના એકેડેમીક બાબતોના વડા ડો. અંજની તોમર અને જીએનએલયુ સેન્ટર ફોર વિમેન એંડ ચાઇલ્ડ રાઇટ્સના વડા ડો. આશા વર્મા પણ ઉપસ્થિત હતાં.


