નડિયાદ
ખેડા જિલ્લાના કપડવંજમાં એક લાકડાના વેપારીએ મોરબીના શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વેપારીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. જેથી પોલીસે તપાસ કરી આ શખ્સને મોરબીથી ઉઠાવી લાવી છે. જે બાદ આ ઘટનામાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં આ મોરબીના શખ્સે નડિયાદના લાકડાના વધુ બે વેપારીઓ પાસેથી પણ ૩ લાખ ૫૮ હજાર ૭૭૬ની છેતરપિંડી આચરી હોવાની વધુ એક ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસમા નોંધાઇ છે. સમગ્ર મામલે પોલીસે પકડાયેલા આરોપીની પૂછતાછ આદરી છે. કપડવંજના ૪૭ વર્ષીય લાકડાના વેપારીને મોરબીના ઈસમે ૨.૬૩ લાખનો ચૂનો ચોપડ્યો છે ત્યારે આ વેપારીએ કપડવંજ ટાઉન પોલીસમાં જગદીશભાઈ ઉર્ફે જયદીપ સામે ફરિયાદ નોંધાવી હતી. કપડવંજ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઝડપાયેલા મોરબીના જગદીશ ઉર્ફે જયદીપ ઉર્ફે વિજય ઉર્ફે મયુર અણદાભાઈ આલે કપડવંજની સાથે સાથે નડિયાદના લાકડાના બે વેપારીઓને પણ આ રીતે છેતર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસમાં પણ મોરબીના જગદીશ ઉર્ફે જયદીપ ઉર્ફે વિજય ઉર્ફે મયુર અણદાભાઈ આલ સામે ફરિયાદ નોધાઈ છે. આમ આ પ્રકરણમાં નડિયાદના બે વેપારીઓના કુલ રૂપિયા ૩ લાખ ૫૮ હજાર ૩૩૬ને મોરબીના મયુર ઉર્ફે જગદીશ ઉર્ફે જયદીપ ઉર્ફે વિજય અણદાભાઈ આલે ચૂનો ચોપડ્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. આ ઉપરાંત પોલીસની તપાસમાં આ મોરબીનો શખ્સ જુદા જુદા નામ ધારણ કરી લોકોને છેતરપિંડીનો ભોગ બનાવી રહ્યો હોવાનું ઘટસ્ફોટ થયો છે.


