ગાંધીનગર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એકતરફ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ વિકાસનાં અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. પરંતુ સ્માર્ટ સીટીની હરણફાળમાં પોતાની ઓફિશીયલ વેબસાઈટને જ સ્માર્ટ રીતે સિક્યોર કરવામાં સક્ષમ નહીં હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. કોર્પોરેશનની વેબ સાઈટ હેકર્સ ધ્વારા હેક કરી લેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ મનપાના ઉચ્ચ અધિકારીઓએ પોતાની આઈટી ટીમને કામે લગાડી દેવાઈ હતી. ત્યારે જઈને ગણતરીના કલાકો પછી વેબ સાઈટને ફરીવાર રીઇનસ્ટોલ કરવામાં સફળતા મળી હતી. આ અગાઉ પણ ૨૮ મી નવેમ્બરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઑફિશિયલ વેબ સાઈટ તુર્કી હેકર્સ ધ્વારા હેક કરી લેવાઈ હતી. એક સપ્તાહ સુધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ હેક કરી તુર્કી ભાષામાં ચીમકી અપાતાં વેબ સાઇટનું આઈપી એડ્રેસ- ડોમેઈનથી અનલિંક કર્યું છતાં છેડો નહીં મળતા કોર્પોરેશનની આઈટી ટીમ માથા ખંજવાળી રહી હતી. તુર્કી હેકર્સ ધ્વારા ગાંધીનગર મનપાની વેબ સાઈટ પર તુર્કી ભાષામાં લખાણ લખીને સંદેશો આપવામાં આવ્યો હતો કે ” તમને આયીલડીઝ ટીમ આંતરરાષ્ટ્રીય ટીમ” દ્વારા હેક કરવામાં આવ્યા છે. જુલમ સે અબ તક છૂટ ચૂકે લોગો કા ભવિષ્ય ભયાનક હોગા, તુર્કી કે મિત્ર બનો શત્રુ મત બનો વિગેરે પ્રકારનું તુર્કી ભાષામાં લખાણ લખીને ચેતવણી પણ આપવામાં આવી હતી. આ સિવાય કોર્પોરેશનની વેબ સાઈટ પરથી તમામ માહિતી સહીતના ફોટા પણ તુર્કી હેકર્સ ધ્વારા હેક કરીને હોમ પેજ સહિતની વિગતો હાઈડ કરી દેવામાં આવી હતી. તેમજ ઈન્ટરનેશનલ ફોર્સ યુનિટ કમાન્ડ યુનિટનાં નામે તુર્કી ભાષામાં સંદેશો પણ લખી દેવામાં આવ્યો હતો. મનપા દ્વારા આઈપીને ડોમેઈનથી અનલિન્ક કરી દેવાયું હતું તથા અન્ય આઈપી પર બેકઅપ ખસેડવામાં આવ્યો હતો. જાે કે બીજા આઈપી એડ્રેસને પણ હેક કરી દેવાયું હતું. આખરે મનપા તંત્ર દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી વેબ સાઈટને શરૂ કરાઈ હતી. આજે પણ ફરીવાર એજ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. આ અંગે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે સવારે મનપાની વેબ સાઈટ ગણતરીના કલાકો માટે હેક થઈ હતી. જેને પુનઃ રીઇનસ્ટોલ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પણ તુર્કીના હેકર્સ ધ્વારા જ મનપાની વેબ સાઈટ હેક કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.સ્માર્ટ ગણાતી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશીયલ વેબસાઈટ ત્રણ મહિના પછી હેકર્સ ધ્વારા હેક કરી લેવામાં આવતાં ફરીવાર કોર્પોરેશન તંત્ર દોડતું થઇ ગયું હતું. જાે કે ગણતરીના કલાકોમાં પુનઃ વેબસાઈટને રી ઇનસ્ટોલ કરીને મનપાની આઈટી ટીમે રાહતનો દમ લીધો હતો. નોંધનીય છે કે ૨૮ મી નવેમ્બરે તુર્કી હેકર્સ ધ્વારા મનપાની વેબસાઈટ હેક કરી લેવામાં આવતાં અંતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ દાખલ કરાઈ હતી.


