ગિરગઢડા
ભરત ગંગદેવ
થોડા સમય પહેલા ઉનાના દાંડી ગામના માછીમારનું પણ પાકની લાડી જેલમાં મોત થયું હતું.જેનો મૃતદેહ 2 મહિના બાદ માદરે વતન આવ્યો હતો.ત્યાંજ કોડીનારના કોટડા ગામના જીતુભાઈ જીવાભાઈ બારીયાનું પાક જેલમાં મોત થયાની વિગત સામે આવતા ભારતીય માછીમાર સમાજમાં શોક ફેલાયો છે. પાકિસ્તાનની જેલમાં કેદ સાથી માછીમારે ફોન કરી જીતુભાઈનું પાક જેલમાં મોત થયાની જાણકારી આપી.
આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામના.બે દિવસ પહેલા પાકિસ્તાન જેલમાં કેદ આ ગામના યુવાને પોતાના ઘરે ફોન કરી જાણ આપી કે તેમના સાથી માછીમાર અને આ ગામના વતની જીતુ જીવા બારીયાનું અવસાન થયું છે.એટલુંજ નહિ બીજા માછીમાર રામજી રાજા ચાવડા ઓક્સિજન પર છે અને તે જિંદગી અને મોત વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.આ સમાચાર મળતા જ આ નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.તો મૃતક હતભાગી માછીમારના પરિજનોની મનોસ્થિતિ નાજુક બની છે.
પાકિસ્તાનની જેલમા કોડીનારના કોટડા ગામના 44 માછીમારો કેદ છે.પાકિસ્તાનની જેલમાં માછીમારના મોતની ખબર આવતા પાક જેલમાં કોટડા ગામના કેદ અન્ય માછીમારના પરિજનો અને મહિલાઓમાં પણ ચિંતા સાથે ભય ફેલાયો છે.સાથે તેઓ ભારત સરકારને અપીલ કરી રહ્યા છે કે તેઓનાજીવન આધારને પાક જેલ માંથી છોડાવે.કોટડા ગામના વધુ એક માછીમાર પાકમાં હોસ્પિટલમાં છે અને તે જીવન -મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.તે ખબર પણ સામે આવતા તેના પરિવારમાં પણ ચિંતા સાથે ભયનું લખલખું પસાર થઈ રહ્યું છે.
હાલ પાકિસ્તાન જેલમા 600 થી વધુ ભારતીય માછીમારો કેદ છે જેમાં અનેક માછીમારો 4 થી 5 વર્ષથી કેદ હોવાને લઈ આ માછીમારો વહેલી તકે છૂટે અને કોટડા ગામના જે માછીમારનું મૃત્યુ થયું છે તેની ડેડબોડી વહેલાસર પરત આવે તેવી માછીમાર પરિવાર માંગ કરી રહ્યા છે.કોટડા ગામના હતભાગી માછીમાર જીતુભાઇ બારીયાનું પાક જેલમાં મોત થયાના સમાચાર સાથી કેદી માછીમાર રામજીભાઈ ચાવડાને મળતા તેઓની તબિયત પણ લથડી છે.ગીરના નાના એવા બંદર કોટડા ગામમાં લોકો આંતરિક પ્રશ્નો કરી રહ્યા છે..ક્યારે આવશે હતભાગી માછીમારનો મૃતદેહ માદરે વતન..?

