વડોદરા
ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી યુવતી ગુમ થવા અંગેની અરજીના સંદર્ભે ગુરૂવારે રાત્રે ૯ઃ૩૦ વાગ્યાની આસપાસ ગુમ યુવતી અને તેનો પ્રેમી નિવેદન આપવા માટે હાજર થયા હતા. આ સમયે યુવતીના માતા-પિતા તેમજ અન્ય સગા-સંબંધીઓ સહિતનું ૨૦થી ૨૫ વ્યક્તિઓનું ટોળું પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યું હતું. ત્યારબાદ મોડીરાત્રે એકત્ર થયેલા વ્યક્તિઓએ હોબાળો મચાવ્યો હતો અને પ્રેમી યુવકને માર મારવાની તથા યુવતીને પરત ઘરે લઈ જવાની ધમકી આપી હતી. પોલીસે ટોળાને વિખેરવાની કામગીરી કરી હતી. પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે, યુવતી તેના માતા-પિતાને મળવા માંગતી નથી તેમજ પોતાની મરજીથી પ્રેમી સાથે જવા માંગે છે અને યુવકને પોલીસવાનમાં બેસાડી રવાના કરવાની તજવીજ સમયે ટોળાં પૈકીના કેટલાક શખ્સોએ પોલીસવાન આગળ સુઈ જઇને ગાડીનો ઘેરાવો કરીને કામગીરીમાં રુકાવટ ઊભી કરી હતી. પોલીસે સમજાવવાનો પ્રયાસ કરતાં કેટલાક શખ્સોએ પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓને અપશબ્દો બોલી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. પોલીસે ટોળાં પૈકીના ૧૧ શખ્સને ઝડપી પાડ્યા હતા. જેમાં કાલુરામ સોનારામ સુથાર, ભોમારામ જગદીશભાઈ સુથાર, રમેશભાઈ ધનારામ સુથાર, સચિન કાલુરામ સુથાર, સત્યનારાયણ સોન રામ સુથાર, હનુમાનરામ ચોથારામ સુથાર, ઓમપ્રકાશ હરિરામ સુથાર, ચેનારામ ચોથારામ સુથાર, છગનભાઈ લાલારામજી પ્રજાપતિ, રાજેન્દ્ર ખુંમારરામ પ્રજાપતિ અને જગદીશ છગનલાલ પ્રજાપતિનો સમાવેશ થાય છે. ઘટના સમયે સ્થળ પર એક કાર અને ત્રણ બાઈક મૂકીને નાસી છુટનાર વોન્ટેડ શખ્સોને શોધવા માટે પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને વાહનો જપ્ત કર્યાં છે.વડોદરા શહેરમાં ગુમ યુવતી પ્રેમી સાથે નિવેદન આપવા માટે ગુરૂવારે મોડી રાત્રે ગોત્રી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી. જ્યાં યુવતીના પરિવારજનો સહિતના ટોળાએ ભારે તોફાન મચાવ્યું હતું. ટોળાએ પોલીસ સ્ટેશનની બહાર ઉહાપોહ મચાવી પ્રેમીને સહી સલામત બહાર લઈ જતી પોલીસવાનનો ઘેરાવો કર્યો હતો અને પોલીસ કર્મીઓને અપશબ્દો બોલીને સરકારી કામગીરીમાં રુકાવટ ઊભી કરી હતી. પોલીસે રાયોટિંગના ગુનામાં ૧૧ શખ્સની ધરપકડ કરી હતી.
