ગેરરીતિ કરનાર તત્વો ને સરકાર ના લાભોથી કરાશે વંચિત
ખરીદી કરનાર સહકારી મંડળી ને પણ કરાશે પ્રતિબંધિત
ગિરગઢડા તા 1
ભરત ગંગદેવ
ચાલુ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવની યોજના હેઠળ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જેની ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રવર્તી રહી છે. પરંતુ આ ખરીદીમાં તકનો ગેરલાભ લઈ કેટલાક તત્વો દ્વારા ગેરરીતિ આચરતા હોવાનું જણાતાં રાજ્ય સરકારશ્રીએ કડક ર્નિણય લેવામાં આવેલ છે. જેના હેઠળ ખેડૂતોને વાવેતર વગર વેચાણમાં ગેરલાભ ઉઠાવવાના પ્રયાસ બદલ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની તમામ યોજનાઓમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવશે.
આ તમામ કિસ્સાઓમાં ટેકાના ભાવે ખરીદાયેલ ચણાના જથ્થાની કિંમતનું ચુકવણું પણ કરવામાં આવશે નહી. ઉપરાંત ખરીદી માટે ગુજકોમાસોલ દ્વારા નિયુક્ત થયેલ સહકારી મંડળીને આગામી બે વર્ષ માટે ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિબંધિત કરવામાં આવશે તથા સહકાર વિભાગની અન્ય યોજનાઓમાં લાભ માટે પ્રતિંબધિત કરવામાં આવશે. ગામોમાં વાવેતરના ખોટા અપાયેલ દાખલાઓ માટે સંબંધિત તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ સામે પણ વહીવટી પગલાં ભરવામાં આવશે. આમ સરકારી યોજનાઓમાં ગેરરીતિ સબબ સરકારશ્રી ખૂબ જ ગંભીર છે અને કડકમાં કડક પગલાં ભરવા કટિબદ્ધ છે. પરિણામે સાચા ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને તકનો ગેરલાભ ઉઠાવનાર વ્યક્તિઓ સામે સરકારશ્રી દ્વારા લેવાયેલ કડક પગલાંને લીધે ગેરલાભ અટકશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
