Gujarat

છોટાઉદેપુર કલેકટરે રેતીના વાહનો પર બે દિવસ માટે મુકયો પ્રતિબંધ 

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરા તા. ૧૮/૦૬/૨૦૨૨ના રોજ લેપ્રસી ગ્રાઉન્ડ, વડોદરા ખાતે કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના પાંચ જિલ્લા પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના લાભાર્થીઓ હાજર રહેનાર છે. આ કાર્યક્રમમાં રાજયના ઉપર્યુકત પાંચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં જનમેદની એસ.ટી. બસ, લકઝરી બસ તથા ખાનગી નાના મોટા વાહનો દ્વારા વડોદરા ખાતે આવનાર છે.
છોટાઉદેપુર જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ જનમેદની વડાપ્રધાનના કાર્યક્રમમાં એસ.ટી. બસ, લકઝરી બસ તથા ખાનગી નાના મોટા વાહનો દ્વારા વડોદરા ખાતે જશે. જેથી તા. ૧૭/૦૬/૨૦૨૨ તથા તા. ૧૮/૦૬/૨૦૨૨ના રોજ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ મુખ્ય રસ્તાઓ ઉપર વાહનોનો ધસારો થવાથી ટ્રાફિકની સમસ્યા ઉભી થવાની શક્યતા છે. જેથી આ સમય દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં રેતીની અવર જવર કરતા ભારે વાહનો જેવા કે, ટ્રક, ડમ્પર, હાઇવા વગેરે વાહનોના છોટાઉદેપુર જિલ્લામાં આવેલ વિવિધ મુખ્ય રસ્તાઓ ઉપર તા. ૧૭/૦૬/૨૦૨૨ તથા ૧૮/૦૬/૨૦૨૨ના રોજ અવર જવર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે તો ટ્રાફિક વ્યવસ્થા કંટ્રોલ કરી શકાય એમ જણાય છે.
જેથી છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે તેમને મળેલી સત્તાની રૂએ પ્રધાનમંત્રીના તા. ૧૮/૦૬/૨૦૨૨ના રોજ વડોદરા ખાતેના કાર્યક્રમને ધ્યાને લઇ છોટાઉદેપુર જિલ્લામાં રેતીની અવર જવર કરતા વાહનો જેવા કે ટ્રક, ડમ્પર, હાઇવા વગેરે ઉપર છોટાઉદેપુર જિલ્લામાં આવેલા વિવિધ મુખ્ય રસ્તાઓ ઉપર તા. ૧૭/૦૬/૨૦૨૨ તથા તા. ૧૮/૦૬/૨૦૨૨ના રોજ આવા વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ પ્રતિબંધ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં તા. ૧૭/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકથી તા. ૧૮/૦૬/૨૦૨૨ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ તથા ભારતીય દંડ સંહિતા- ૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *