જામનગરની એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ ખાતે વારીયા પરિવારના વરદ હસ્તે મેમોગ્રાફી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રુક્ષમણીબેન વોરા અને દિવાળીબેન વારીયાની યાદગીરી રૂપે અર્પણ કરાયેલા મેમોગ્રાફી મશીનની સુવિધાથી જી.જી. હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને મેમોગ્રાફી ટેસ્ટની સારવાર મળી રહેશે.
USA એલ્યુમિની ડૉક્ટર્સ ડો. ચંદ્રા વારિયા, ડો. મહેન્દ્ર વારિયા, ડો. નટવરલાલ અને કલી રામાની, ડો. ભાણજી અને માનસી કુંડારિયા, ડો. જીતેન્દ્ર અને કોકિલા પાડલીયા, ડો. દલસુખ અને ડો. ઇલા મડીયા, ડો. મુકેશ અને ડો. વિભા શાહ, ડો. સુમન્ત અને ડો. સ્નેહલતા પંડ્યા તરફથી જી.જી. હોસ્પિટલ ખાતે મેમોગ્રાફી મશીન દાનમાં આપવામાં આવ્યું છે.
મેમોગ્રાફી રૂમ ડેવલોપમેન્ટ માટે દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કે.ડી. કરમુર, શ્રી રોટરી ક્લબ ઓફ જામનગર (રાજહંસ મેટલ્સ પ્રા. લી.) દ્વારા ડોનેશન તેમજ મેમોગ્રાફી રૂમનાં ઇલેક્ટ્રિક વર્ક માટે શ્રી હિમાંશુ ભગવાનપૂરી ગોસાઈ (અંબા જ્યોતિ ઇલેક્ટ્રિક, જામનગર) તથા પાવરટેક એન્જીનીયરીંગ દ્વારા ડોનેશન આપવામાં આવેલ છે.
મેમોગ્રાફી ટેસ્ટ માટે રેડિયોલોજી વિભાગનાં તબીબીશ્રીઓ તરફથી અવિરત સેવાઓ આપવામાં આવશે. તેમજ સંસ્થા તમામ દાતાશ્રીઓ, રેડિયોલોજી વિભાગના તમામ તબીબીશ્રીઓ તથા આ ડોનેશનની કામગીરીનું કોઓર્ડીનેશન કરનાર ડો. સુમન પંડ્યાનું આ પ્રસંગે એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજના ડીન શ્રી ડો. નંદિની દેસાઈ,તબીબી અધિક્ષકશ્રી ડો. દીપક તિવારી, જી.જી. સરકારી હોસ્પિટલ તથા રેડિયોલોજી વિભાગના વડા શ્રી ડો. નંદીની બાહરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે હોસ્પિટલનાં અધિકારીઓ, કર્મચારીઓ, રેડિયોલોજી વિભાગનાં તમામ તબીબીશ્રીઓ તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.


