વિજબીલ બચાવવા સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપનો આવિષ્કાર કરવામાં આવી રહયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં રૂા.૨૩.૧૨ લાખના ખર્ચે ૬૮ કિલોવોટની સોલાર રૂફટોપ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેના થકી મે-જુન મહિનાના લાઇટ બિલમાં રૂા.૧.૧૭ લાખની બચત થઇ છે. જેથી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં વાર્ષિક રૂા.૧૪ લાખની બચત થતા આ બચતની રકમ પ્રજા હિતના કામોમાં વાપરવામાં આવશે.
સરકારશ્રીની ૧પમાં નાંણાંપંચની જિલ્લા કક્ષાની વર્ષ ર૦ર૦-ર૧માં ૧૦% અનટાઈટ ગ્રાન્ટમાંથી જૂનાગઢ જિલ્લા પંચાયત બીલ્ડીંગ ઉપર રૂા.ર૩.૧૩ લાખના ખર્ચે ૬૮ કીલોવોટની સોલાર રૂફટોપ સીસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેનું શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રીજેશભાઇ મેરજા દ્વારા લોકાર્પણ કરાયુ હતું.
જૂનાગઢ જિલ્લા પંચાયતના બિલ્ડીંગનું લાઇટ બિલ પહેલા એપ્રીલ-મે ર૦રરમાં રૂા.૧,ર૮,૩ર૭ આવ્યું હતું. જ્યારે સોલાર સીસ્ટમ શરૂ થયા બાદ મે-જુન-ર૦રરમાં રૂા.૧૦,૮૯૪નું વિદ્યુત બિલ આવ્યું છે. આમ, સોલાર રૂફટોપ સીસ્ટમ ઈન્સ્ટોલ કરવાના કારણે રૂા.૧,૧૭,૪૩૩ની રકમની બચત થઇ છે. આથી જૂનાગઢ જિલ્લા પંચાયત સ્વભંડોળમાં વાર્ષિક રૂપિયા ૧૪ લાખની બચત થશે.
આ બચતની રકમનો ઉપયોગ અન્ય વિકાસના કામો તેમજ પંચાયતના કામોમાં થઈ શકશે. આ બચતના કારણે સોલાર સીસ્ટમ માત્ર દોઢ વર્ષમાં જ બ્રેક ઈવન આવી તદન મફત થઈ જશે, પર્યાવરણનું જતન થશે, સરકારી નાણાંની બચત થશે તથા કલાઈમેન્ટમાં પરીવર્તન આવશે. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખના આ અભિગમથી લોકો પોતાના ઘરે સોલાર સીસ્ટમ કાર્યરત કરવાની પ્રેરણા મેળવશે.

