સ્થાનિક રહીશ: ફુલસિંગભાઇ રાઠવા
આ તળાવ બનવાથી અમારા ગામની પાણીની સમસ્યા હલ થવાથી ગામનું કલ્યાણ થયુ હોય એમ લાગે છે એવું ગાંઠિયા ગામના રહીશ ફુલસિંગભાઇ રાઠવાએ જણાવ્યું હતું.
સરકાર દ્વારા જલશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ જલશક્તિ અભિયાન અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં આવેલા ગાંઠિયા ગામે મનરેગા યોજનામાંથી અંદાજે રૂપિયા દસ લાખના ખર્ચે તળાવ બનાવવામાં આવ્યું છે. આ તળાવમાં બારેમાસ પાણી રહેતા ગામની પાણીની સમસ્યા હલ થઇ છે.
ડુંગરોની ગોદમાં વસેલા ગાંઠિયા ગામે તળાવ ન હતું ત્યારે ગામલોકોને પીવાના પાણીની ખૂબ સમસ્યા રહેતી હતી. ઢોર-ઢાંખરોને પાણી પીવડાવવા માટે ઓરસંગ નદી સુધી લાંબા થવું પડતું હતું. આ તળાવ બનવાથી હવે બારેમાસ તળાવામાં પાણી રહેતા ગ્રામજનોને મોટી રાહત થઇ છે.
સરકાર દ્વારા ભૂગર્ભ જળ ઉંચું આવે, વરસાદ પાણીનો સંગ્રહ થાય તેમજ સિંચાઇની સગવડમાં વધારો થાય એ માટે જલશક્તિ અભિયાન અંતર્ગત નવા તળાવો બનાવવા, હયાત તળાવો ઉંડા કરવા જેવી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંઠિયા ગામે મનરેગા યોજનામાં બનાવવામાં આવેલું તળાવની કામગીરી ઉદાહરણરૂપ કામગીરી છે.
માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા ફુલસિંગભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, આ તળાવ બન્યું ન હતું ત્યારે અમારે પાણી માટે ગાબડિયા માણકા સુધી જવું પડતું હતું. ગાય-બળદ, ભેંસ જેવા જાનવરોને પાણી પીવડાવવા માટે ખૂબ તકલીફ પડતી હતી. આ તળાવ બનવાથી અમારા ગામની પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે. આ તળાવમાંથી નિકળતા વેસ્ટ વિયરમાંથી નીકળતા પાણીથી લોકોને સિંચાઇ માટે પણ પાણી મળી રહે છે.
આ ઉપરાંત તળાવમાં બારેમાસ પાણી રહેતું હોવાથી જંગલી પશુઓ તેમજ પક્ષીઓને પણ પીવાનું પાણી ઉપલબ્ધ થઇ રહે છે. એમ જણાવી તેમણે અગાઉ અમારા ગામના કૂવા અને હેન્ડ પંપમાં પાણીના તળ ઉંડા ઉતરી જતા હતા. હવે કૂવા અને હેન્ડ પંપના પાણીના તળ ઉપર આવી ગયા છે એમ જણાવ્યું હતું.
આમ, સરકાર દ્વારા જળસંરક્ષણ માટે કરવામાં આવેલી સરાહનીય કામગીરીથી ગાંઠિયા ગામની પાણીની સમસ્યા હલ ગ્રામજનોને ખૂબ મોટી રાહત થઇ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


