Gujarat

પાટણમાં સ્ટ્રીટલાઈટના કામોનું નવેસરથી ટેન્ડરીંગ કરાશે

પાટણ
પાટણ શહેરમાં નવી સ્ટ્રીટલાઇટના વીજળીકરણ માટે રૂા. ૯ લાખ ૯૦ હજાર ૬૧૪ના ખર્ચે એલઇડી લાઈટોનાં સ્પેરપાર્ટસ અને ફિચર્સની ખરીદી માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનું પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં નક્કી કરાયું હતું. ૧૪મા નાણાપંચની ૨૦૧૮-૧૯ના વર્ષની પ્રથમ હપ્તાની મળેલી ગ્રાન્ટમાંથી સ્ટ્રીટલાઇટનાં નવીન વીજળીકરણનાં જુદા જુદા કામો માટે રૂા. ૪૩ લાખ ૫૦ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી એસ્ટીમેટ રૂ. ૬ લાખ ૬૯ હજાર ૬૫૩ની રકમ વીજ કંપનીમાં જમા કરાવતાં બાકી રહેલી રકમ રૂા. ૩૬ લાખ ૮૦ હજાર ૩૪૭માંથી કામગીરી પરત્વે જરૂરીયાત મુજબ એલઇડી સ્ટ્રીટલાઇટ, પાઇપ, બ્રેકેટ ક્લેમ્પ, કેબલ સાથે રૂ. ૩૫૬૩નો ભાવ એજન્સી દ્વારા અપાયો હતો. તેમાં બાકી રહેતી ગ્રાન્ટની રકમ રૂા. ૩૬.૮૦ લાખમાંથી રૂા. ૯ લાખની મર્યાદામાં ૨૭૮ નંગ ખરીદવાના કામને મંજૂરી અપાઇ હતી. ઉપરાંત પાટણના ખડાખોટડીના પાડામાં આવેલી લલીતપ્રસાદ બારોટની મિલકતને પાઇપલાઇનથી નુકસાન થતાં તે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં તેનો ચુકાદો નગરપાલિકાની વિરૂદ્ધમાં આવતાં પાલિકાએ તેની સામે અપીલ કરી હતી. જે સંબંધે પક્ષકાર હીરાબેન બારોટ વ્યાજ સિવાયની રકમ સ્વીકારવા સંમત થતાં અને સમાધાન થતાં આ મામલાનો નિકાલ તાજેતરની લોક અદાલતમાં અને આજની સામાન્ય સભામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *