બનાસકાંઠા
બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ઉમેદપુરા ગામથી ટડાવ ગામને જાેડતો કાચો રસ્તાને ડામર રોડ બનાવવા માંગ ઉઠી છે. આ રસ્તા પર ૧૫૦થી વધારે ખેડૂત પરિવારોનું અવરજવર રહે છે. ખેડૂતો હાલમાં ખેતરોમાં વસવાટ કરતાં હોય, જ્યારે પશુપાલકોને દૂધ મંડળી કે, ટડાવ ખાતે કામ અર્થે બહાર જવામાં મોટા પ્રમાણમાં તકલીફ થાય છે, તેમજ તમામ પરિવારના બાળકોને શાળાએ જવામાં મુશ્કેલીઓ પડે છે. આ રસ્તો પાકો બનાવવા ૧૫૦થી વધારે પરિવારની માંગ છે. જાે કે ઉમેદપુરા ગામથી ત્રણ કિલોમીટરના અંતરે ટડાવ ગામ આવેલું છે. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જ્યારે આરોગ્યલક્ષી ઇમરજન્સી ડિલિવરી જેવા સમયમાં આ સીધો રસ્તો હોવાથી જાે રસ્તો પાકો બની જાય તો રાહદારીઓને ખૂબ સારી સુલભતા મળે રહે તેમ છે. સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે, ઉમેદપુરાથી ટડાવ સુધી પાકો રસ્તો બને તે માટે અમે રજૂઆતો કરી છે. અહીંયા ૧૫૦થી વધુ ઘર આવેલા છે, તેમજ બાળકોને શાળામાં આવવાં-જવાં માટે ખૂબ જ તકલીફો પડે છે. ટડાવમાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે. ત્યાં આરોગ્યલક્ષી કામ હોય તો આવવાં-જવામાં ખૂબ તકલીફ પડે છે. ત્યારે અહીં પાકો રસ્તો બનાવવામાં આવે તે માટે અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ.


