બીલીમોરા
બીલીમોરા અંબિકા નદીકાંઠે આવેલ બીલીમોરા નગરપાલિકાની કચરાની ડમ્પિંગ સાઇટના કારણે નદી પ્રદુષિત સાથે ઘન કચરામાંથી ઉઠતા ધુમાડાના કારણે વાતાવરણ પ્રદુષિત થાય છે, જેના કારણે પર્યાવરણપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તે જરૂરી છે. બીલીમોરા નગરપાલિકા દ્વારા રોજિંદા ટનબંધ કચરાને અંબિકા નદી પટ સ્થિત ડમ્પિંગ સાઇટ ઉપર નાખવામાં આવે છે. ઘર ઘરથી સુકો-ભીનો કચરો બતાવવા પૂરતો અલગ અલગ લાવવામાં આવે છે. જાેકે ડંપિંગ સાઇટ ઉપર બન્ને કચરા એકત્ર જ થઈ જાય છે. વર્ષ-૨૦૦૫માં નગરપાલિકામાંથી નીકળતા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો ર્નિણય લેવાયો હતો જે ર્નિણયને ૧૬ વર્ષ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી તે કામ અભરાઈ ઉપર છે. ડંપિંગ સાઇટ ઉપર નિયમોનો છેદ ઉડાડી આગ વડે અકુદરતી રીતે કચરાનો નિકાલ કરાઇ રહ્યો હોવાની ખબરો દૈનિક વર્તમાનપત્રો છપાયા હતા. આ બાબત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ધ્યાને આવતા ગત ૨૫મી મેના રોજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી નવસારી દ્વારા બીલીમોરા નગરપાલિકાની અંબિકા નદીકિનારે આવેલી ડમ્પિંગ સાઇટ ઉપર સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ તપાસમાં ઘણી ક્ષતિઓ સામે આવી હતી. જેમાં બોર્ડ દ્વારા જણાવામાં આવ્યું છે કે, સ્થળ તપાસ કરતા નદી કિનારા પર સોલિડ વેસ્ટનો નિકાલ કરાતો હોવાનું જણાયું હતું. જેને સળગાવામાં આવ્યો હતો, જેના કારણે હવા પ્રદુષિત થઈ રહી હોવાનું ધ્યાને આવ્યું હતું. જે તાત્કાલિક બંધ કરી અંબિકા નદીના કિનારે કચરો નહીં ઠાલવવા તાકિદ કરવામાં આવી છે. એમએસડબ્લ્યુનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો તેમજ એમએસડબ્લ્યુ રુલ્સ ૨૦૧૬નું ચૂસ્તપણે પાલન કરવાનું જણાવ્યું છે. વધુમાં જણાવ્યું છે કે, શહેરનું ગંદુ પાણી ગાયકવાડ મિલ નજીક આવેલ સુએઝ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કર્યા વગર છોડવામાં આવે છે.બીલીમોરા નદી કાંઠે બીલીમોરાનો રોજીંદો હજારો ટન કચરો બીલીમોરા નગરપાલિકા દ્વારા અંબિકા નદીના પટમાં આવેલી ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવે છે, જેના કારણે પાણી, હવા અને જમીન આ ત્રણેય પ્રદૂષિત થઈ રહ્યા હોવાના અહેવાલ પેપરોમાં છપાયા બાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ તપાસમાં આ હકીકતો સામે આવી હતી. જેથી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બીલીમોરા નગરપાલિકાને નોટિસ ફટકારી આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરી દિન-૭ માં એક્શન પ્લાન રજૂ કરવા જણાવતા પાલિકામાં ફફડાટ ફેલાયો છે.
