બોડેલીની અગ્રગણ્ય એવી શૈક્ષણિક સંસ્થા શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ માં પ્રતિ વર્ષ 5 સપ્ટેમ્બર ના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિન નિમિત્તે ઉજવાતા “શિક્ષક દિન”અંતર્ગત સ્વશાસન દિનની ઉજવણી અનિવાર્ય સંજોગોને લઈ આજરોજ કરવામાં આવી હતી જેમાં આચાર્ય તરીકેની ભૂમિકા અદા કરનાર શાળાની વિદ્યાર્થીની સારા ખત્રીએ તેના સાથી 170 જેટલા એક દિવસના શિક્ષકો સુપરવાઇઝર તેમજ સેવક ભાઈઓની ટીમ સાથે ખૂબ સફળતાપૂર્વક શાળાનો એક દિવસનો વહીવટ કરી શિક્ષક દિન અંતર્ગત સ્વશાસન દિનની ઉજવણી કરી હતી.
શાળાના સમય દરમિયાન શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લેનાર શિક્ષક ભાઈ બહેનોએ વર્ગોમાં જઈ સુંદર રીતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું ત્યારે વહીવટી વિભાગ તથા સેવક ભાઈઓ તરીકેની ભૂમિકા પણ ખૂબ સહજતા પૂર્વક વિદ્યાર્થીઓ એ અદા કરી હતી.
સ્વશાસન દિનની ઉજવણી બાદ સાંજે શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરવા આયોજિત કાર્યક્રમ ને શાળા સંચાલક મંડળના પ્રમુખ કંચનભાઈ પટેલ ઉપ-પ્રમુખ રાજુભાઈ શાહ એકતા તથા ભરતભાઈ શાહ મંત્રી ભાવેશભાઈ શિરોલાવાલા, સહમંત્રી પરેશ ભાવસાર સાથે ટ્રસ્ટીઓ ગિરીશભાઈ શાહ, ઉદય શાહ તેમજ શાળાના આચાર્ય જીગ્નેશભાઈ આર શાહ સાથે એક દિવસના આચાર્ય કુ. સારા ખત્રીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો અને ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ બહેનો પૈકી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શ્રેષ્ઠ શિક્ષક બનનાર તેમજ તમામ ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને ઉપસ્થિત ટ્રસ્ટી મંડળ ના હસ્તે શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..
આ પ્રસંગે શાળા ટ્રસ્ટી મંડળ નાં પ્રમુખ કંચનભાઈ પટેલે ડો. શંકર દયાલ શર્માજીનું ઉદાહરણ આપી શિક્ષકનું જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાવ્યું હતું અને ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને મંડળ વતી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે આચાર્ય જીગ્નેશભાઈ શાહે પણ શિક્ષક દિનની ઉજવણી શા માટે તે વિષય પર પ્રકાશ પાડી વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષકનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં કાર્યક્રમના અંતે એક દિવસના શિક્ષક બનનાર વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


