અંકલેશ્વર શહેરમાં વધતા જતા ગુનાઓને ડામી દેવા ભરૂચ જિલ્લા એસપીની સૂચનાથી ગુરુવારના રાત્રીના અનેક વિસ્તારોમાં કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સર્ચ ઓપરેશનના કારણે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
ભરૂચ જિલ્લા પોલીસે અંકલેશ્વરમાં મોટાપાયે વધતા જતા ગુનાને ધ્યાનમાં લઈને પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતા. જેમાં ભરૂચ જિલ્લા પોલીસે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા મીરાનગર શાંતિનગર જેવા વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ સર્ચ ઓપરેશનમાં ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટીલની સૂચનાઓ મુજબ 1 Dysp, 8 PI અને 11 PSI સહિત 100 થી વધુ પોલીસકર્મી જોડાયા હતા. પોલીસ ટીમોએ મોટર સાયકલ સહિત ફોરવીલ ગાડીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ સર્ચ ઓપરેશનના કારણે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે પોલીસે કરેલા સર્ચ ઓપરેશનના કારણે અંકલેશ્વરના અને બહારથી આવતા ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.


