સુરત
ક્રિકેટ રસીકોને ભારતની મેચ હોય તો મજા તો આવે જ અને એમાં પણ ભારત- પાકિસ્તાનની મેચ હોય અને ભારતીયો મેચના જાેવે એવું બને ખરું.. ત્યારે સુરત શહેરના માર્ગો ઉપર રાત સુધી સુરતીઓની ચહલપહલ રહી હતી. કોટ વિસ્તારોમાં શેરી અને મહોલ્લામાં એલઇડી લગાડી લોકો સહપરિવાર ખાણીપીણીની મોજ સાથે ભારત પાકિસ્તાનની મેચ નિહાળી હતી. ભાગળ ચાર રસ્તા, ચોકબજાર, નાનપુરા, અડાજણ, પીપલોદ રોડ, સિટીલાઇટ, ઘોડદોડ રોડ, અલથાણ, ભટાર, અમરોલી સહિતના વિસ્તારોમાં ભારત-પાક.ની મેચ જાેયા બાદ વિજયની ખુશી મનાવી હતી. ઉલ્લેખનીય છે કે અઢી-ત્રણ વર્ષ બાદ ઉત્સવનો માહોલ જામ્યો છે. રવિવારે શહેરમાં ગણપતિજીની આગમન યાત્રા અને બીજી તરફ ભારત પાકિસ્તાનના એશિયા કપના મેચને લઇ સુરતી લાલાઓનો ઉત્સાહ બમણો થઇ ગયો હતો.ભારત – પાકિસ્તાનની રોમાંચક મેચ અને બીજી તરફ શ્રીજીની આગમન યાત્રાને લઇ શહેરમાં સુરતીઓનો ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો. ભારતે રાત્રે મેચ જીતી લેતાં જ લોકોના ટોળે ટોળા ભાગળ પર એકત્ર થઈ ગયા હતા. રાષ્ટ્ર ધ્વજ લઈ ઢોલ-નગારા વગાડી વિજયોત્સવ ઉજવ્યો હતો. આતશબાજીના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ઉજવણીમાં ગણેશભક્તો પણ સામેલ થઈ ગયા હતા. શેરી-મહોલ્લા, સોસાયટીઓ, એપાર્ટમેન્ટ તથા મોલમાં બહાર સ્ક્રિન મૂકી લોકોએ ભારત અને પાકિસ્તાનની રસપ્રદ મેચ નિહાળી હતી. શહેરના દરેક વિસ્તારમાં આ માહોલ જાેવા મળ્યો હતો.


