પાલનપુર
ડીસાના ભીલડી પોલીસ મથકના કોન્ટેબલનું પાંચ વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મોત થયું હતુ. આ અંગે પરિવારજનોએ વળતર માટે કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં બનાસકાંઠા જીલ્લા પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ ન્યાયાધીશે વીમા કંપનીને મૃતકના વારસદારોને વ્યાજ સાથે ૬૦ લાખ ચૂકવવા આદેશ કર્યો છે. ભીલડી પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ કલ્પેશજી વાઘાજી ઠાકોર તારીખ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ કાર નં. જીજે. ૦૮. આર. ૯૫૪૭માં સરકારી કામેથી રાજસ્થાનના ભરતપુરથી પરત આવી રહ્યા હતા. ત્યારે માર્ગમાં અજાણ્યા ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. જેમાં કલ્પેશજીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. આ અંગે તેમના વારસદારોએ વળતર માટે કોર્ટમાં દાવો કર્યો હતો. દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતાં બનાસકાંઠા પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ ન્યાયાધીશ એચ. ડી. સુથારે અરજદારના વકીલ રાકેશકુમાર એ. રાવલની દલીલો ગ્રાહ્ય રાખી મૃતકના વારસદારોને વ્યાજ સહિત ૬૦,૦૦,૦૦૦ ચૂકવવા વિમા કંપનીને આદેશ આપ્યો હતો.

