દેશી દારૂના વેચાણમાં મહિલાઓ પણ સામેલ
વ્યસનીઓને ધરપત આપતા બુટલેગરો ” ડરો નહીં, ખાખીને ધરવી દેવાય છે !”
દેશી દારૂની ખરીદી માટે દારૂડિયાઓની રીતસરની લાઈનો !
બોટાદ, ધંધુકા અને બરવાળા વિસ્તારમાં દેશી દારૂના સેવનથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ટપોટપ વ્યસનીઓ મોતની ખાઈમાં ગરક થઈ રહી છે ત્યારે આવો જ લઠ્ઠાકાંડ હવે રાજકોટ નજીકના શાપર વેરાવળમાં લબકારા મારી રહ્યાની જાગૃત અને નિર્વ્યસની લોકોમાં દહેશત છવાઈ ગઈ છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક શાપરમાં પ્રસરેલી દારૂની બદી દૂર કરવા માંગ થઈ રહી છે.
શાપર(વેરાવળ)ના જાગૃત લોકો કહે છે કે થોડા સમય પહેલા અહી બેફામ વેચાતા દેશી દારૂ બાબતે મસમોટા અખબારી અહેવાલો વહેતા થયા હતા છતાં સ્થાનિક પોલીસની મધ જેવી નજર તળે દારૂનું વેચાણ આજની તારીખે પણ ધોમધોકાર ચાલુ છે.
જાણકારો કહે છે કે શાપર વેરાવળમાં મોટે ભાગે પરપ્રાંતીય મજૂરોની સંખ્યા વધુ હોવાથી અહી દેશી દારૂ પાણીના પાઉછની માફક વેચાઈ રહ્યો છે.
સ્થાનિક પોલીસ હપતાવસૂલીમાં વ્યસ્ત હોવાથી દારૂની બદી કોઈ કાળે શાપર વેરામાંથી દૂર કરી શકે તેમ ન હોવાનું જાણકારોનો આક્ષેપ છે.
અત્રે એ નોંધનિય છે કે છેલ્લા બે દિવસ દરમિયાન જાગૃત પત્રકારોએ સ્ટિંગ ઓપેરેશન કરીને શાપર વેરાવળમાં રેલમ છેલમ થતી દારૂની બદીને કેમેરામાં કેદ કરી લેતા એક વાત પાક્કી સાબિત થઈ હતી કે આ બાંધું પોલીસની અમી નજર વગર શક્ય નથી.
સૌથી અચરજની વાત એ જોવા મળી કે અહી દારૂ લેવા માટે લાઈનો લાગે છે. દેશી દારૂના હાટડા ખુલ્લા મેદાનમાં ધમધમી રહ્યા છે. બુટલેગરોમાં મહિલાઓ પણ બાકાત નથી. પ્લાસ્ટિકની ડોલ લઈને જાહેરમાં બેસતી મહિલા પાસેથી વિના બીકે વ્યસનીઓ દેશી દારૂની કોથળીઓ લઈ જતાં હોવાના દ્રશ્યો કેમેરામાં આબાદ ઝડપાઇ ગયા છે.
જાણકારોએ ત્યાં સુધી કહ્યું કે શાપર વેરાવળમાં દેશી-અંગ્રેજી દારૂના બુટલેગરો અને પોલીસ વચ્ચે રચાયેલી મજબૂત સાંકળ કોઈ તોડી શકે તેમ નથી. દારૂના બુટલેગરો હાલતા ચાલતા વ્યસનીઓને કહે છે, ” ડરો નહીં, ખાખીને નિયમિત ધોમ રૂપિયા પહોંચાડી છીએ” એટલે જ દારૂડિયા તત્વો બેખૌફ બની ગમે ત્યાં દારૂની મહેફિલ માંડીને મોજ માણે છે.
એક જાગૃત બાતમીદારે ત્યાં સુધી કહ્યું કે ભાઈ દેશી દારૂ બનાવતા તત્વો પશુઓને આપવામાં આવતા ઝેરી ઇન્જેકશનોની દારૂમાં મિલાવટ કરીને દારૂને સ્ટ્રૉન્ગ બનાવે છે. એક પશુ દોહવા ન આપે અને તેને શાંતિથી ઊભું રાખવા જે ઇન્જેકશન આપાય તે માનવીના પેટમાં પહોંચે ત્યારે માણસ કેટલો નશામાં સીથીલ થઈ જાય તેનો વિચાર કરવો પણ રૂંવાડા ખડા કરી દે છે.
આ બાબતે જે હોય તે પણ શાપર વેરાવળમાં પોલીસ નહીં જાગે તો અહી બોટાડવાળી એટલેકે લઠ્ઠાકાંડ સર્જાવાની હવે ગણતરીની કલાકો બચી હોવાનું બુદ્ધિજીવી લોકોનું કહેવું છે.

