Gujarat

રાજકોટમાં ગુમ દિકરાની ૨૫ વર્ષથી રાહ જાેઈ રહ્યા છે મા-બાપ

રાજકોટ
એક આશ એવી કે મારો દિકરો પાછો આવશે તેવી આશા સાથે માતા પિતા ૨૫ વર્ષથી રાહ જુવે છે આ વાત છે રાજકોટમાં ૨૫ વર્ષ પહેલા પોતાની કાકાની દીકરી સાથે સાઇકલ લઈ યાજ્ઞિક રોડ ફરવા ગયેલો બાળક હજુ પરત ફર્યો નથી. તેની સાથે શું થયું એ હજુ કોઈને ખબર નથી. માતા-પિતા ચાતક નજરે પણ પોતાના વ્હાલસોયા દીકરાની રાહ જુએ છે. રોજ તેના માટે પથારી પાથરે છે, તેની સાઇકલ સાચવી રાખી છે. તેની શોધ માટે આજ સુધી કોઈ કડી મળી નથી. તેમ છતાં રાજકોટના રસિકભાઈ અને રસિલાબેન પોતાના વ્હાલસોયા દીકરા મોહિલની આજે પણ રાહ જાેઈ રહ્યાં છે. રસિકભાઈ અને રસિલાબેને પુત્રને શોધવા પથ્થર એટલા દેવ પૂજ્યા પણ આજ સુધી કોઈ પત્તો મળ્યો નથી. રસિકભાઈ અને રસિલાબેન પણ પોતાનો અપહૃત થયેલો પુત્ર એકને એક દિવસ જરૂર આવશે એવા સપના સેવી રહ્યાં છે. પોતાની જિંદગીના રોજિંદા કામોની સાથે પણ તેઓ પોતાનો મોહીલ જીવિત છે તેવા વિશ્વાસ સાથે તેના માટે દરરોજ પથારી પાથરે છે. તેની સાઇકલ ચલાવતી વખતે અપહરણ થયું હતું તેને પણ સાચવી રાખી છે. પોતાના પુત્રના રાહમાં માતા-પિતા આજે પણ એક જ ટાઈમ જમે છે અને મોહિલ પરત આવશે તેવી આશા સેવી રહ્યાં છે. ૨૫ વર્ષ પહેલા ૨૧મી મે ૧૯૯૭ના રોજ પોતાના કાકાની દીકરી સાથે શહેરના યાજ્ઞિક રોડ પર મોહિલનું ધર્મેન્દ્રસિંહજી કોલેજ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. કાકાની દીકરી ખુશ્બુ સાથે ડીએચ કોલેજ પાછળની જાગનાથ પોલીસ ચોકી સામે મોહિલ સાઇકલ લઈ રમવા ગયો ત્યાં અજાણ્યા શખસો તેને ઉઠાવી ગયા હતાં. બાદમાં કાકાની દીકરીએ ઘરે જઈ પરિજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ૨૫ વર્ષ પહેલા અપહૃત બાળક મોહિલને શોધવા માટે લોકલ પોલીસથી માંડી સીઆઈડી ક્રાઈમ અને દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સીબીઆઈને પણ કેસ ઉકેલવામાં સફળતા હાથ લાગી નહોતી. તેને કોઈ લઈ ગયું? ક્યાં લઈ જવાયો? જીવિત છે કે તેની સાથે કંઈ ન થવાનું થયું? આજદિન સુધી કોઈને ખબર નથી પડી. અપહૃત મોહિલની ભાળ મેળવવા માટે સીઆઈડીથી સીબીઆઈ સુધી તપાસ સોંપી હોવા છતાં તે એજન્સીઓને પણ કોઈ કડી મળી નહોતી. પોલીસે તેને શોધી લાવનારને ૧ લાખનું ઈનામ આપવાનું જાહેર કર્યું હતું. છતાં પરિણામ શૂન્ય જ રહ્યું હતું. કોઈ ટીખળખોરે તો મોહિલનો પત્તો જાણીએ છીએ, ચોક્કસ અખબાર અને ચોક્કસ પ્રકારની જાહેરાત સાથે તેના મમ્મી-પપ્પા જાહેરાત આપે તો માહિતી આપીએ એવો પત્ર પણ પોલીસને ૨૦૦૪માં લખ્યો હતો. પત્ર બાદ એ સમાચારપત્રમાં મોહિલના માતા-પિતાની સ્થિતિ જાેઈ એ જ પ્રકારની મફતમાં જાહેરાત સરનામા સહિત છાપી પણ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *