રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલના હસ્તે ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં રૂ.૧.૭૭ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજ, પાણીની પાઈપલાઈન, પમ્પિંગ મશીનરી અને મોટી ઊંચી ટાંકીનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મોટા ઇટાળા ગામ ખાતે રાજપર-સુમરા રોડ પર રૂ.૧.૨૫ કરોડના ખર્ચે માઇનોર બ્રિજ અને વાસ્મો દ્વારા રૂ.૫૨ લાખના ખર્ચે ‘નળ સે જળ‘ યોજનાનું વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે ‘નળ સે જળ‘ યોજના હેઠળ દરેક વ્યક્તિ સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચે. વાસ્મોના સતત પ્રયાસો થકી આજે આ ભગીરથ યોજના માત્ર મોટા ઈટાળા ગામમાં જ નહીં, પરંતુ જિલ્લાના તમામ ગામોમાં પરિપૂર્ણ થવા જઈ રહી છે. રાજપર-સુમરા માઈનોર બ્રિજ બનવાથી આજુબાજુના ગામોના લોકોને હવેથી ચોમાસાની ઋતુમાં અવર-જવર કરવામાં મુશ્કેલી પડશે નહીં.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નવલભાઈ મુંગરા, તાલુકા પંચાયત સદસ્યશ્રી મનસુખલાલ ભંડેરી, વાસ્મો યુનિટ મેનેજરશ્રી ભાવિકાબા બી. જાડેજા, વાસ્મો આસિસ્ટન્ટ મેનેજરશ્રી અમીબેન ગોંડલીયા, વાસ્મો ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર શ્રી દુષ્યંતસિંહ જાડેજા, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.


