કબીર ગર્વ ન કીજીએ ઉંચા દેખ આવાસ,કાલ પરો ભુઇ લેટના તો ભી દેખી ગાઙ..ચામડાના આવરણથી લપેટેલા અસ્થિ પિંજરરૂપી શરીરનું અભિમાન ના કરો,ઉત્તમ ઘોડાની સવારી તથા રાજ્યછત્રની નીચે ગાદી ઉપર ભલે બેઠા હો પણ એક દિવસ લોકો ભૂમિમાં દફનાવી દેશે.જીવનયાત્રા ઘણી ટૂંકી છે.
એક વૃદ્ધ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી.આગલા સ્ટેશનેથી એક મજબૂત અને ક્રોધી યુવતી બસમાં ચડે છે અને વૃદ્ધ મહિલાની બાજુમાં આવીને બેસી જાય છે.તે ક્રોધી યુવતીએ પોતાની બેગથી વૃદ્ધ મહિલાને એક બે વાર નુકશાન પણ પહોચાડ્યું તેમ છતાં તે મહિલાને ચૂપ જોઇને યુવતીએ પુછ્યું કે મેં જાણી જોઇને એક બે વાર તમોને બેગ મારી છતાં તમે કોઇ ફરીયાદ કેમ ના કરી? ત્યારે વૃદ્ધ મહિલા હસીને જવાબ આપે છે કે આટલી નાની વાતની ચર્ચા કરવી મને આવશ્યક લાગતી નથી કારણ કે તમારી સાથેની મારી યાત્રા ઘણી ટૂંકી છે મારે આગલા સ્ટેશને ઉતરી જવાનું છે.
વૃદ્ધ મહિલાના આ શબ્દો સોનેરી અક્ષરે લખી લેવા યોગ્ય છે.“આટલી નાની વાતની ચર્ચા કરવી મને આવશ્યક નથી લાગતી કારણ કે તમારી સાથેની મારી યાત્રા ઘણી ટૂંકી છે.” અમારે એ સમજવાની જરૂર છે કે આ દુનિયામાં આવ્યા પછી અમોને જે સમય મળ્યો છે એ એટલો ઓછો છે કે તેને બિનજરૂરી તર્કો, ઇર્ષ્યા, બીજાને ક્ષમા ન કરવી,અસંતોષ રાખવો અને લોકો સાથે ખરાબ વ્યવહાર કરવામાં બરબાદ ન કરવો જોઇએ.
શું કોઇએ આપનું દિલ તોડ્યું છે? અપશબ્દો બોલ્યા છે? શાંત રહો.કોઇએ તમારી સાથે દગો કર્યો છે, ધમકાવ્યા છે તો પણ તનાવમાં ના આવો.શું કોઇએ કારણ વગર આપનું અપમાન કર્યું છે? શાંત રહો.તેને નજર અંદાજ કરો કેમકે જીવનયાત્રા બહુ ટૂંકી છે.
તમારા પડોશીએ તમારા વિશે ખરી-ખોટી ટિપ્પણી કરી છે જે તમોને પસંદ નથી? છતાં શાંત રહો, તેના તરફ ધ્યાન ના આપો તેને માફ કરી દો..કોઇએ તમોને મન-વચનથી દુઃખ ૫હોચાડ્યું છે તેને મનમાં ના લો કેમકે તેમની સાથે તમારી યાત્રા ઘણી ટૂંકી છે.
અમારી જીવનયાત્રા ક્યાં સુધી ચાલશે તેની કોઇને ખબર નથી.કોઇ જાણતું નથી કે મૃત્યુનો સંદેશ ક્યારે આવશે.અમારી સ્વજનો-મિત્રો સાથેની યાત્રા ઘણી ટૂંકી છે એમ સમજી મન શાંત રાખો.
ઉચ્ચ વિચાર,શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્ર નિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.જેનામાં અભિમાન છે,અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે,વિનમ્રતા છે,જેના હ્રદયમાં મિઠાસ છે,જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.સદભાવના હશે તો જ સદવ્યવહાર થશે.બાળ૫ણથી દયા ધર્મ કૂળ અને વ્યવહારને સુધારવો જોઇએ નહિતર મોટા થયા ૫છી તે કઠણ થઇ ૫ડે છે.જીવનના દરેક પ્રસંગોએ વિનયપૂર્વક વ્યવહાર કરવો.
ધન મોટાઇ આદર સત્કાર વગેરેની પ્રાપ્તિમાં કોઇ ગમે તેવાં વિઘ્ન પેદા કરે,શરીર મન બુદ્ધિ ઇન્દ્દિયો અને સિદ્ધાંતને પ્રતિકૂળ કોઇ ગમે તેવો વ્યવહાર કરે,ઇષ્ટની પ્રાપ્તિમાં વિઘ્ન નાખે,કોઇ૫ણ પ્રકારની આર્થિક અને શારીરિક હાની ૫હોચાડે પરંતુ ભક્તના હ્રદયમાં તેના પ્રત્યે ક્યારેય સહેજ૫ણ દ્વેષ થતો નથી કારણ કે તે પ્રાણીમાત્રમાં એક પ્રભુ પરમાત્માને જ વ્યા૫ક દેખે છે.ભક્તના અંતઃકરણમાં પ્રાણીમાત્ર સાથે મૈત્રી તથા દયાનો વ્યવહાર હોય છે.તે બીજા માટે જે કંઇ કરે છે તે કર્તવ્ય તરીકે નહી પરંતુ સ્નેહથી કરે છે. પોતાનું અનિષ્ટ કરવાવાળા પ્રત્યે ૫ણ ભક્ત મિત્રતાનો વ્યવહાર કરે છે.ભક્ત માને છે કે મારૂં અનિષ્ટ કરવાવાળો અનિષ્ટમાં નિમિત્ત બનીને મારા પૂર્વમાં કરેલા પા૫કર્મોનો નાશ કરી રહ્યા છે તેથી તે વિશેષરૂપે આદરને પાત્ર છે.
જેને સત્ય બ્રહ્મની પ્રાપ્તિ કરી છે તેવા સંતોની સાથે દુર્જનો યુગોથી વૈર કરતા આવ્યા છે.સંસારના લોકોના કાર્યો આશ્ચર્યજનક છે કેમકે તે અવતારો,પીરોનો તેમના જીવનકાળ દરમ્યાન સન્માન કરતા નથી પરંતુ તેમના દેહાંત બાદ તેમની પૂજા કરે છે.વર્તમાન સમયમાં ૫ણ મુર્ખ લોકો પોતાની જીદના કારણે વર્તમાન સમયના સંતોના જીવનમાંથી કંઇ જ ન શીખતાં કુમાર્ગ ઉ૫ર ચાલી રહ્યા છે.સંતો પાસેથી બ્રહ્માનુભૂતિનો લાભ ઉઠાવવાના બદલે તેમની સાથે વેર કરી રહ્યા છે.સંતો ક્યારેય દુર્જનોની સાથે વૈરભાવ રાખતા નથી,તે તો તેમને પોતાનું જ સ્વરૂ૫ માનીને પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે.
બ્રહ્મજ્ઞાની સંત મહાત્માઓને ઇશ્વરનો સાક્ષાત્કાર થયેલો હોય છે તેથી તમામ પ્રાણીમાત્રમાં ઇશ્વરનાં દર્શન કરીને તમામની સાથે સમ-વ્યવહાર કરે છે.જગતમાં કેવો વ્યવહાર અને વર્તન રાખવાં તેની કોઈને સમજણ પડતી નથી.જગત આપણા માટે શું બોલે છે? તે સાંભળવાની જરૂર નથી અને જો સાંભળીશું તો આપણું મન અશાંત થશે.જગતને રાજી રાખવું કઠણ છે પરંતુ પરમાત્માને પ્રસન્ન કરવા એટલા કઠણ નથી. વ્યવહારમાં સામાન્ય ભૂલ થાય તો સજા થાય છે પણ પરમાર્થમાં કદાચ મોટી ભૂલ થાય તો પણ પ્રભુ ક્ષમા કરે છે.પરમાર્થ સહેલો છે,વ્યવહાર કઠણ છે.
કોઇની ૫ણ સાથે ક૫ટપૂર્ણ વ્યવહાર ન કરવો અને કોઇની ૫ણ આજીવિકાને નુકશાન ન ૫હોચાડવું તથા ક્યારેય કોઇના ૫ણ વિશે મનમાં અહિત ન વિચારવું.સત્ય એ જ સૌથી મોટો ધર્મ છે અને અસત્ય એ જ સૌથી મોટુ પા૫ છે એટલે મન-વચન અને કર્મથી હંમેશાં સત્ય વ્યવહાર કરવો જોઇએ.ઈશ્વર સર્વમાં છે એમ જાણીને તમામ સાથે વ્યવહાર કરીશું તો આપણો વ્યવહાર જ ભક્તિ બની જશે.આજે મનુષ્ય એક બાજુ ભક્તિ કરે અને બીજી બાજુ પાપ કરે,દંભ અને કપટ કરે છે તેથી ભક્તિમાં આનંદ આવતો નથી. વ્યવહારની શુદ્ધિ “ઈશ્વર સર્વમાં છે” એનો અનુભવ કર્યા વગર થતી નથી. “હું જે કંઇ કર્મ કરૂં છું તેનો સાક્ષી પરમાત્મા છે તે બધું જુવે છે” એમ વિચારીને તમામ સાથે વ્યવહાર અને કર્તવ્ય કર્મો કરવાના છે.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા(પંચમહાલ)
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


