વડોદરા
વડોદરા ગ્રામ્યના રાયકા ગામમાં રગડી તળાવ પાસે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફ લાલો રમણભાઇ સિંધા (ઉં.૩૫) અને તેમના પુત્ર અરૂણ (ઉં.૧૬) સાથે બાઇક ઉપર પોતાના ગામથી વાસદ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન નંદેશરી-ફાજલપુર રોડ ઉપર નવા બનતા બ્રિજ પાસે પિતા-પુત્ર સવાર બાઇકને પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અડફેટે લેતા પિતા-પુત્ર રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં ૧૬ વર્ષના અરુણના કમરથી નીચેના ભાગે ટ્રકના તોતીંગ વ્હિલ ફરી વળતા કમરથી નીચેનો ભાગ છૂટો પડી ગયો હતો. બપોરના સમયે બનેલા આ બનાવની જાણ પરિવારને થતાં તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને થતાં સ્થળ પર આવી પહોંચી હતી. નંદેશરી પોલીસને જાણ થતાં પીએસઆઇ પી.આર. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને પિતા-પુત્રના મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. નંદેશરી-ફાજલપુર રોડ ઉપર ટ્રક સાથે થયેલા અકસ્માતમાં રાયકા ગામના પિતા-પુત્રના એક સાથે મોત થતાં ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. પરિવારજનોના હૈયાફાટ રૂદને ગામમાં સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવને પગલે હાઇવે ઉપરના વાહન વ્યવહાર ઉપર પણ અસર પડી હતી., આ બનાવ બનતા ટ્રક ચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ પર પડેલી ટ્રક કબજે કરી હતી. તે સાથે નંદેશરી પોલીસે મૃતક નરેન્દ્રભાઇ ઉર્ફ લાલો સિંધાના પિતા રમણભાઇ ભીખાભાઇ સિંધાની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ ઉપર ટ્રકની અડફેટે બાઇક સવાર પિતા-પુત્રના સ્થળ પર કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. ટ્રકના ટાયર ફરી વળતા ૧૬ વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા અને પિતાનું માથું છુંદાઇ ગયું હતું. પિતા-પુત્ર બંને વાસદ તરફ જઇ રહ્યા હતા. રાયકા ગામના રહેવાસી પિતા-પુત્રના એક સાથે અકસ્માતમાં મોત થતાં ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. અરેરાટીભર્યા આ બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


