વડોદરા
સુરક્ષિત વડોદરા શહેર માટે કોર્પોરેશન દ્વારા બજેટમાં કેટલાક કામોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શહેરના મુખ્ય જંક્શન ઉપર ૧ હજાર જેટલા સીસીટીવી તથા ૫૦ જેટલા ઓટોમેટીક નંબર પ્લેટ રીંડીંગ કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે બીજા ૪૦૦ જેટલા સીસીટીવી લગાવવાનું આયોજન પણ હાથ ધર્યું છે. ભાયલી ખાતે નવુ ફાયર સ્ટેશન બનાવવાનું કામ કાર્યરત છે. શહેરની હાઇરાઇઝ ઇમારતોમાં સુરક્ષાની દ્રષ્ટિએ દુર્ઘટના સમયે ઉપયોગી નીવડે તે માટે ૮૧ મીટરની હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ વસાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વેમાલી અને બદામડીબાગ ખાતે નવા ફાયર સ્ટેશન બનાવવાની સાથે વિવિધ વાહનો તથા જરૂરી સાધનસામગ્રી ખરીદાશે. ફાયર એનઓસી સરળતાથી મળી રહે તે માટે ઓનલાઇન એપ્લિકેશન સિસ્ટમ ડેવલપ થશે. વડોદરા શહેરમાં રખડતા પશુઓ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી ૩૫ હજાર પશુઓનું ટેગિંગ કર્યું છે. રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા શહેરની હદ બહાર પશુ માલિકોને પશુઓ રાખવા માટે ખટંબા ખાતે કેટલ શેડની કામગીરી કાર્યરત છે. અને આગામી સમયમાં કુલ ૮ સ્થળોએ કેટલ શેડ વિકસાવાશે. તદુપરાંત કેટલ ઇન્ફર્મેશન સિસ્ટમ કાર્યરત થશે. જેથી પોલીસ અને કોર્પોરેશનને ત્વરિત સંપૂર્ણ માહિતી મળી રહેશે. જાેકે, કોંગ્રેસના નેતા અમી રાવતે આ અંગે જણાવ્યું છે કે, ગત બજેટમાં દેખાડેલા ઘણા કામો હજુ ઠેરના ઠેર છે. સોમા તળાવ પાસે હજુ ફાયર સ્ટેશન બન્યું નથી. સયાજીબાગમાં સિક્યુરિટી ટાવર તથા સીસીટીવી લાગ્યા નથી. વડોદરામાં લાગેલા સીસીટીવી ક્રાઇમ ઘટાડવા નહીં પણ વડોદરાવાસીઓને મેમો ફટકારવા ઉપયોગી નીવડ્યા છે. બદામડી બાગ ખાતે જગ્યા નથી અને નવા સ્ટ્રક્ચર ઉભા કરવાના આયોજન હાથ ધરવામાં આવ્યા છે. જે આયોજનો શહેરના લોકોને દિવસે સપના બતાવવા સમાન છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સુરક્ષા માટે વર્ષ ૨૦૨૨-૦૨૩ના બજેટમાં કેટલાક કામોનો સમાવેશ કર્યો છે. જેમાં ભાયલી, વેમાલી અને બદામડીબાગ ખાતે નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે અને વડોદરા શહેરમાં વધુ ૪૦૦ સીસીટીવી લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.


