વડોદરા
વડોદરા પીસીબી પોલીસની ટીમ ઉચ્ચ અધિકારીઓની માર્ગદર્શન અને સૂચના હેઠળ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ ઉપર અંકુશ હેતુ નાઈટ કોમ્બિંગમાં હતી. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સયાજીગંજ ખાતેની હોટેલ ચંદન મહેલના માલિક આશિષભાઈ અડવાણી પોતાના આર્થિક ફાયદા હેતુ જુગાર રમવા માટે રેલ્વે સ્ટેશનના પાછળના ભાગે આવેલ સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સના ત્રીજા માળે હોટલ જય અંબેમાં ૩૦૧ નંબરનો રૂમ બુક કરાવી આપ્યો છે. અને હાલમાં લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી રિસેપ્શનિસ્ટ રમેશભાઈ ડાભીની અટકાત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રિસેપ્શનિષ્ટએ કબુલાત કરી હતી કે, માલિકના મિત્રો જુગાર રમી રહ્યા છે. જે પૈકી ત્રણ લોકો નીકળી ગયા છે અને હાલમાં ચાર લોકો બેઠા છે. ફિલ્મી ઢબે પોલીસે રૂમનો દરવાજાે ખટખટાવી રૂમ સર્વિસ હોવાનું જણાવી જુગારીઓનો દરવાજાે ખોલાવ્યો હતો. જ્યાં અન્ય લોકો બેસી જુગાર રમતા નજરે ચડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા ૪૫,૫૦૦, પ્લાસ્ટિકના કોઈન ૧૩૫ નંગ , ૦૫ મોબાઈલ ફોન અને બે ટુવ્હીલર વાહન મળી કુલ ૧,૯૪,૫૦૦ની મત્તા કબજે કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જુગાર દરમિયાન સંજય નવલાણી બાજી દીઠ કમિશન કાઢી હોટલ માલિક આશિષ અડવાણીના માણસ તેંદુલકર મારફતે આશિષને રકમ મોકલાવી આપતો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે, અવર-નવાર હોટલ ચંદન મહેલમાં જુગાર રમીએ છીએ. પરંતુ વાતાવરણ તંગ હોવાથી હોટલ માલિક આશિષભાઈએ જય અંબે હોટલ ખાતે જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી હતી. અને રિસેપ્શનિસસ્ટને જય અંબે હોટલના માલિક પંકજભાઈએ રજીસ્ટરમાં કોઈ નોંધ ન કરવા જણાવ્યું હતું. જય અંબે હોટલ માલિક પંકજભાઈ માહોર છેલ્લા એક વર્ષથી હોટલ ભાડે ચલાવે છે.વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ચંદન મહેલ હોટલના માલિકે કમિશનની લાલચે જુગારીઓને જય અંબે હોટલમાં જુગાર રમવા માટેની વ્યવસ્થા કરી આપી હોવાની માહિતીના આધારે પીસીબી પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડી ૧.૯૪ લાખ ઉપરાંતની મત્તા કબજે કરી અન્ય ૦૬ જુગારીઓને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


