વડોદરા
વડોદરાના ડેસર તાલુકાના વેજપુર વાંટા ફળિયામાં રહેતા ઉદાભાઈ સનાભાઇ પરમારની ભેંસ તેના પાડાના કારણે ભડકીને નાસભાગ કરતી હતી. તે સમય દરમિયાન વિજય પુવારના ખુલ્લા વાડામાં અવાવરું કૂવા ઉપર ઢાંકેલા પતરા હોવા છતાં ભેંસના વજનના કારણે કૂવામાં ખાબકી હતી. ઉદાભાઈ પરમારની ભેંસ કૂવામાં પડી જતાં, વેજપુર ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તેને બહાર કાઢવા માટે અવનવા કીમીયા અજમાવતા હતા. આ દરમિયાન ઉદાભાઈ પરમારની પત્ની લીલાબેને પંચમહાલના એરાલ ખાતે તેઓની દીકરી કોકીલા પરમારને ફોન કરી જાણકારી આપી હતી કે, આપણી ભેંસ કૂવામાં પડી છે. એરાલ ખાતે દીકરીના મકાનનો સ્લેબ ભરાતો હોવાથી તેનો ભાઈ પીન્ટુ પણ બહેનના ઘરે હતો. કૂવામાં પડેલી ભેંસને બહાર કાઢવા માટે એરાલથી બાઇક લઈને વેજપુર આવવા માટે નીકળી રહ્યો હતો. તેઓની સાથે તેના બનેવી રાજુભાઈ મંગળભાઈ પરમાર (ઉ. ૩૮) પણ વેજપુર આવી પહોંચ્યા હતા. અવાવરું કૂવામાં બે ત્રણ દિવસ પહેલા એક ભૂંડ પડીને મરણ પામ્યું હોવાથી કુવાની આજુબાજુ અસહ્ય દુર્ગંધ ના કારણે ઉભું રહેવાય તેવી પણ સ્થિતિ ન હતી, તેમ છતાં જમાઈ રાજુ પરમાર કૂવાની અંદરથી ભેંસનો અવાજ આવતો હોવાથી ૧૦૦ ફૂટ જેટલા ઊંડા અને સાંકડા કૂવામાં દોરડાની મદદથી ઉતર્યા હતા. દોરડાથી ભેંસને બાંધીને બહાર કાઢતી સમયે ૪૦ ફૂટ જેટલા ઉપરથી દોરડું તૂટતા પરત ભેંસ કૂવામાં ખાબકી હતી. ભેંસની નીચે જમાઈ રાજુ પરમાર દબાઈ ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી તેઓનું અને ભેંસનું મોત નીપજ્યું હતું. ગામમાં બનેલી આ કરુણ ઘટનાને પગલે વેજપુરના સરપંચ જયરાજસિંહ સંજયસિંહ રાઉલજીએ વડોદરા ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટર આવી પ્રથમ ભેંસનો મુતદ્દેહ કાઢ્યા બાદ રાજુ પરમારનો મુતદ્દેહ બહાર કઢાયો હતો. વેજપુર ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરતા તેઓએ અવાવરું કૂવો બે ત્રણ દિવસમાં પૂરી દેવા માટે માલિકને કડક શબ્દોમાં સૂચના આપી હતી. ડેસર પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મુતદેહને પોસ્ટમોર્ટમ માટે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર ગામમાં પાડાથી બચવા માટે દોડેલી ભેંસ કૂવા ઉપર મૂકેલું પતરું તોડીને કૂવામાં પડી ગઇ હતી. કૂવામાંથી ભેંસને બહાર કાઢતી વખતે દોરડુ તૂટી જતા સાસરીમાં આવેલા જમાઇનું ભેંસ નીચે દબાઇ જતાં મોત થયું હતું. વડોદરા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ ભેંસ અને યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવે વેજપુર ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.


