જામનગર તા.૨૨ ઓક્ટોબર, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલના હસ્તે ખારવા પ્રાથમિક શાળામાં રૂ.૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ ૨ વર્ગખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ખારવા પ્રાથમિક શાળાના પટાંગણમાં માટીકામ માટે ગ્રામ અગ્રણીશ્રીઓ દ્વારા રૂ.૮૦૦૦નું અનુદાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગામમાં એક શિક્ષિત-સમજદાર વ્યક્તિ પોતાને પણ તારે છે તેમજ સમગ્ર સમાજને પણ તારે છે. રાજ્ય સરકાર સતત ‘સર્વ શિક્ષા અભિયાન‘ માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ માળખાગત સુવિધાઓને લગતા કામો ત્વરિત થઈ રહ્યા છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ‘ના સૂત્રને રાજ્ય સરકાર સતત સાર્થક કરી રહી છે. આ તકે કૃષિમંત્રીશ્રીએ ખારવા પ્રાથમિક શાળાની સિદ્ધિઓ તેમજ શિક્ષકો અને વિધાર્થીઓએ ખેલ મહાકુંભ અને શાળા સ્વચ્છતા પુરસ્કાર પ્રતિયોગિતામાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને બિરદાવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નવલભાઈ મૂંગરા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મનસુખલાલ ભંડેરી, આગેવાનો શ્રી ભીમજીભાઈ મકવાણા, શ્રી દેવકરણભાઈ ભાલોડીયા, શ્રી પોલુભા જાડેજા, શ્રી જયંતિભાઈ કગથરા, શ્રી પરેશભાઈ સોરઠીયા, શ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રી રસિકભાઈ ભંડેરી, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, વિધાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.


