સુરત
મૂળ હરિયાણાના વતની અને સુરતમાં વેસુ વીઆઈપી રોડ રત્ન જ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા વિનીતભાઈ પરમાનંદ બંસલ કોહીનુર ટેક્ષટાઈલ માર્કેટમાં કનીકા સારીઝના નામે સાડી અને લહેંગાનો વેપાર કરે છે. વર્ષ ૨૦૧૯માં તે રીંગરોડ મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવતા હતા. ત્યારે ઓક્ટોબર મહિનામાં દલાલ રામપ્રસાદ મળવા આવ્યો હતો. પોતાની પાસે મુંબઈની સારી પાર્ટી છે કહી બાદમાં ૨૩ ઓક્ટોબરના રોજ મુંબઈના મલાડ વેસ્ટ દફતરી રોડ ગણપતિ મંદિર પાસે ખાંડવાલા લાઈન રોઝી કોલોનીમાં વિવા સિલેકશનના નામે લહેંગાનો વેપાર કરતા સોનલબેન અને તેમના પતિ હિરેનભાઈ પોપટને લઈને આવ્યો હતો. રામપ્રસાદની બાહેંધરીને લીધે વિનીતભાઈએ તેમને માલ મોકલ્યો હતો. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ રામપ્રસાદ મુંબઈના ગોરેગાંવ ઈસ્ટ એમ.જી.રોડ નુર મસ્જીદ ગલી મોતીલાલ નગરમાં નમન ટ્રેડીંગના નામે વેપાર કરતા ઇશ્વર આસુદમલ મોટવાનીને લઇ આવતા વિનીતભાઈએ તેમને પણ લહેંગાનો માલ મોકલવા માંડ્યો હતો. રામપ્રસાદની જેમ સાર્થક ટેક્ષટાઇલ એજન્સીના નામે દલાલી કરતો બીજાે દલાલ દિનેશ પંજવાની મળીને ગયા બાદ ફેબ્રુઆરી ૨૦૨૦માં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર દુર્ગા માર્કેટમાં દુર્ગા ફેશનના નામે વેપાર કરતા દંપત્તિ સપનાબેન ડાંગ અને તેના પતિ દુર્ગ ડાંગને લઈ આવ્યો હતો. વિનીતભાઈએ તેમને પણ લહેંગાનો માલ મોકલ્યો હતો. પાંચેય વેપારીએ કુલ રૂ.૨૫,૯૯,૫૩૪ ની મત્તાનો લહેંગાનો માલ લઈ સમયસર પેમેન્ટ કરવાને બદલ વાયદા કર્યા હતા. બાદમાં હાથ ઊંચા કરી દેતા છેવટે વિનીતભાઈએ ગતરોજ બે દલાલ અને પાંચ વેપારી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.સુરતના રીંગરોડ ખાતે આવેલી મિલેનિયમ માર્કેટમાં અગાઉ દુકાન ધરાવતા વેપારી પાસેથી બે દલાલ મારફતે મુંબઈ, ઉતરપ્રદેશના બે દંપત્તિ સહિત પાંચ વેપારીએ રૂ.૨૬ લાખના લહેંગા ખરીદ્યા હતા. પેમેન્ટ નહીં કરી હાથ ઊંચા કરતા વેપારીએ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
