સુરત
આખરે માથાભારે અને વોન્ટેડ આરોપી પોલીસના સંકજામાં આવી ગયો. સુરતમાં બે મહિના પહેલાં લાજપોર જેલ બહાર રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને શુક્રવારે ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. આની સાથે ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ પક્ડયો હતો. ટપોરીએ પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવ્યો હતો.પોલીસે કડિયા પાસે બારી અને દરવાજાે ખોલાવી અંદર છુપાયેલા સજ્જુને પકડી પાડ્યો હતો. સજ્જુ કોઠારીના ઘરમાં જ બીજા રૂમમાં બહારથી તાળુ મારીને રહેતા ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો હતો. અગાઉ રાંદેર અને અઠવા પોલીસે ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી. ૨૮મી જાન્યુઆરીએ જામીન પર છુટતા પોલીસે અટકાયતી પગલા માટે સજ્જુને જેલની બહારથી પકડતા તેનો ભાઇ અને સાગરિતો પોલીસ સાથે માથાકૂટ કરી ભગાવી ગયા હતા. ૩૫ ગુનાનો આરોપી પહેલીવાર સુરત તેના ઘરેથી જ ઝડપાયો હતો. અગાઉ નાગપુર અને મુંબઈથી પકડાયો હતો. સજ્જુ કોઠારી તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે જ ટીમ તૈયારી કરી દીધી હતી. એસીપી આર. આર. સરવૈયા સહિત ૩ પીઆઈ, ૭ પીએસઆઈ અને ૪૦ પોલીસ જવાનો કુખ્યાત સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બહારથી જાેયું તો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડીંગનો મુખ્ય દરવાજાે બંધ હતો. આ દરવાજા પર કાંટા રૂપી લોખંડના ખિલ્લા જાેવા મળ્યા હતા. આ જાેઈ પોલીસ પાછી પણ ફરી શકે તેમ હતી. પરંતુ પોલીસે સીડી મંગાવી હતી અને સૌથી પહેલા એસીપી સરવૈયા સીડી પર ચઢી લોખંડનો મુખ્ય દરવાજાે ઓળંગી પહેલા માળે પહોંચ્યા હતા. ત્યાર બાદ એક પછી એક ૧૦થી વધુ જવાનો તે જ રીતે પહેલા માળે પહોંચ્યા. દરવાજાને તાળું મારેલું હતું છતાં પોલીસે દરવાજાે ખખડાવ્યો અને કહ્યું કે, સજ્જુનું વોરન્ટ છે. દરવાજાે ખોલો નહીં તો તોડી નાખીશું. દરવાજાે ન ખુલ્યો એટલે બારીનો કાચ પોલીસે તોડી નાખ્યો. કાચ તૂટતા જ અંદરથી દરવાજાે ખુલ્યો. ત્યાર બાદ એસીપી સહિત ૨૦થી વધુ પોલીસ જવાનોએ ૫ માળની બિલ્ડિંગ ૧૦થી વધુ વખત ફેંદી વળ્યા. કોઈ પણ ખુણે સજ્જુ કોઠારી મળ્યો નહીં. આ કવાયતમાં પોલીસે ફ્લોરિંગ પણ ચેક કર્યું હતું. પણ સજ્જુ મળ્યો નહીં છતાં બાતમી હોવાને કારણે પોલીસે ઘરની અંદર શોધખોળ ચાલુ રાખી. મુખ્ય રૂમના ફર્નિચરની તપાસ કરી તેની પાસે ટીવી હતું. તેની બાજુમાં શોકેસ હતું, જેની સાઈડે એક લાકડાના દરવાજા જેવું હતું. તેને ધક્કો મારી જાેતા તે ખુલ્યો નહીં એટલે પોલીસે તેને થપથપાવ્યો. આ દરવાજાે ખખડાવતા અંદરથી બોદો અવાજ આવ્યો. જ્યારે ફર્નિચરની અંદર ખખડાવતા દિવાલ જણાઈ. આથી પોલીસને શંકા ગઈ કે, જે લાકડાનો દરવાજાે હતો તેની અંદર જ સજ્જુ કોઠારી હોવો જાેઈએ. બહારથી પોલીસે બુમો પાડી દરવાજાે ખોલવા કહ્યું, પણ દરવાજાે ખોલ્યો નહીં. અંતે પોલીસે દરવાજાે તોડી નાખ્યો. અંદર જાેતા જ સજ્જુ કોઠારી બેઠો હતો. અને ત્યાંથી પોલીસે ઝડપી લીધો હતો. આમ આખુ ઓપરેશન પૂર્ણ થયું હતું. સજ્જુ જે બિલ્ડિંગમાં હતો તેની તેની બાજુની બે બંધ બિલ્ડીંગમાં પણ પોલીસે સર્ચ હાથ ધર્યું. આ બંને બિલ્ડીંગ પણ સજ્જુની જ હતી. ત્યાં સર્ચ કરતાં તેનો સાગરિત સમીર સલીમ શેખ પણ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી આરસીસીનું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ બનાવી દીધો હતો. સજ્જુએ ૭૫૨૦ ચો.મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યુ હતું. રસ્તાઓ પર પણ દબાણ કરીને તેણે બારાહજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તેનાત કર્યો હતો. આ બાબતે કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારી (રહે, શાલીમાર કોમ્પલેક્સ, નાનપુરા)ની સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ટપોરી સજ્જુ કોઠારી પાસેથી કાપડ વેપારીએ ધંધા માટે ૪ ટકા માસિક વ્યાજે લીધેલા ૧૪ લાખ ચુકવી ન શકતા તેને મારી નાખવાની ધમકી આપી હતી. ટપોરીના ડરથી વેપારીએ ધંધો બંધ કરી રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું. આ કેસમાં પણ સજ્જુ સહિત બે સામે ગુનો નોંધાયો હતો. સજ્જુ એ બિલ્ડર આરિફ કુરેશી પાસે ખંડણી પેટે ૭.૬૦ લાખ રોકડ પડાવ્યા હતા. બિલ્ડરે સજ્જુ પાસેથી વ્યાજે લીધેલા ૬૦ લાખના ૭૨ લાખ ચૂકવી દેવા છતાં તે રૂપિયા માંગતો હતો. આ કેસમાં પણ સજ્જુ સહિત ૪ સામે ગુનો નોંધાયો હતો.
