Gujarat

સ્તનપાનથી બાળકની બૌદ્ધિક શક્તિમાં વૃદ્ધિ થાય છે

 આપણી કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ માતાના ધાવણની તાકાત વણી લેવામાં આવી છે. કવિઓએ પણ માતાના ધાવણના ખૂબ ગુણગાન ગયા છે. તે આજે આધુનિક શોધ સંશોધનોમાં સાચા હોવાનું પુરવાર થયું છે. વિજ્ઞાન કહે છે કે, નવજાત શિશુને જન્મથી એક કલાકની અંદર આપેલું માતાનું ધાવણ અમૃત સમુ પુરવાર થાય છે. આ પ્રથમ પીળા ધાવણમાં એક કોલેસ્ટ્રોલ હોય છે. જે બાળકને છ મહિના સુધી રોગો સામે લડવાની શક્તિ આપે છે.

સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પોષણમાહના અંતે માતાના ધાવનની મહત્તા વિશે જાણકારી આપતા જૂનાગઢના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી શારદાબેન દેસાઈ કહે છે કે, બાળકનું જઠર નાનું અને કુમળું હોય છે જેને ફક્ત માતાના દૂધની જરૂરિયાત હોય છે. એટલે બાળકને જન્મથી પ્રથમ છ માસ સુધી માત્ર સ્તનપાન જ કરાવવાનું રહે છે. બાળકને પાણી પણ આપવાનું રેહતું નથી. ઉપરાંત મધ કે અન્ય કોઈ ચીજ વસ્તુ બાળકને આપવી નહીં. માતાના ધાવણમાં દરેક પ્રકારના સૂક્ષ્મ તત્વો હોય છે. તેમજ યોગ્ય માત્રામાં પાણી પણ હોય છે. જેથી પ્રથમ છ માસ સુધી અન્ય કોઈ આહાર કે પ્રવાહી આપવાની જરૂરિયાત રહેતી નથી.

માતાના ધાવણથી બાળકના શારીરિક વિકાસની સાથે તેની બૌદ્ધિક શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. ખાસ કરીને માતાનું પ્રથમ પીળું ધાવણ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તથા રોગો સામે તેમજ અન્ય ચેપથી રક્ષણ આપે છે. એટલે બાળક જ્યારે પણ માંગે ત્યારે અવશ્ય સ્તનપાન કરાવવું જોઈએ. ખાસ રાત્રિના સમયે બાળકને સ્તનપાન કરાવવાનું ન ભુલાય તેની કાળજી લેવી જોઈએ. આ સાથે હલન ચલન કરતા કરતા સ્તનપાન કરાવવાથી બચવું જોઈએ. સાથે જ સ્તનપાન કરાવવાથી માતાના ધાવણમાં પણ વૃદ્ધિ થાય છે.

પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી દેસાઈ કહે છે કે, ઘણી વખત બાળક કુખમાં આવવા માટે રડતું હોય છે, માટે તેને શરીરથી વળગાડેલું રાખો સ્તનપાન દરમિયાન પણ બાળકની આંખોમાં આંખ નાખીને હસતા મોઢે વ્હાલથી વાતચીત કરો. બાળકો સાથે રમી અને વાતચીત કરવાથી તેમના શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદ મળે છે.

બાળકના છ મહિના પછી સ્તનપાનની સાથે ઓછી માત્રામાં અર્ધ પ્રવાહી અથવા હાથથી મસળેલો ખોરાક આપવાની શરૂઆત કરવી. એક વખતે એક જ પ્રકારના ખોરાકથી શરૂઆત કરો પછી ધીમે ધીમે ઓછી માત્રામાં શાકભાજી, ફળફળાદી, દાળ અને કઠોળ પણ આપવા જોઈએ. આમ, ધીમે ધીમે ખોરાકની માત્રા વધારવી જોઈએ. તેમ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી શારદબેન દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *