તાલાલા
તાલાલા ખાંડ ફેકટરી પાસે જૂનાગઢ જીલ્લા સહકારી બેંક અને ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંકના બાકી લેણાં રૂ.૨૯ કરોડ હોવાથી બેંકે તાલાલા સહકારી ખાંડ ફેકટરીનો કબ્જાે લઈ લેતાં તાલાલા પંથકમાં ભારે ચકચાર પ્રસરેલ છે. જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનાં ચેરમેન કિરીટભાઇ પટેલે આપેલ વિગત પ્રમાણે જૂનાગઢ જીલ્લા સહકારી બેંક અને ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંકના તાલાલા સહકારી ખાંડ ફેકટરી પાસે રૂ.૧૦ કરોડ ૪૩ લાખની વસૂલાત લાંબા સમયથી બાકી હતી. જેની વારંવારની ઉઘરાણી છતાં ખાંડ ફેકટરી તરફથી બાકી રકમ ભરપાઈ કરવામાં વિલંબ થતાં ખાંડ ફેકટરી પાસે બાકી રકમ રૂ.૨૯ કરોડ થઈ ગઈ હતી. જે ભરપાઈ કરવા “સિકયુરીટાઈઝેશન”(સરફેસી) એક્ટ હેઠળ ગત તા.૨૮/૦૧/૨૦૨૨ ના રોજ નોટીસ આપી તા.૧૪/૦૨/૨૦૨૨ સુધીમાં બાકી રકમ ભરપાઈ કરવા બેંકે તાકિદ કરી હતી. પરંતુ ખાંડ ફેકટરીએ બાકી રકમ ભરપાઈ કરેલ ન હતી. જેથી બેંકના જનરલ મેનેજર કિશોરભાઈ ભટ્ટ, નાયબ મેનેજર નિખીલભાઈ વૈશ્નવ, તાલાલા બ્રાંચ મેનેજર અમરશી ઝાલા,બેંકના લીગલ એડવોકેટ જયેશભાઈ રાચ્છએ તાલાલા ખાંડ ફેક્ટરીમાં જઈ ખાંડ ફેકટરીનો”સિંબોલીક”કબ્જાે સંભાળી લીધો હતો. જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનું કાર્યક્ષેત્ર જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર ત્રણ જિલ્લામાં પથરાયેલ છે. બેંકનું વિવિધ બાકીદારો પાસે કરોડો રૂપિયાનું બાકી લેણું છે. પરીણામે બેન્કનો વિકાસ થતો નથી. બેંકના લાંબા સમયથી બાકી બોલતા નાણાંની વસૂલાત કરી બેંકને આર્થિક રીતે મજબૂત બનાવવા બેંકના નવા આવેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્રારા વસુલાત સાથે પરીણામલક્ષી કડક કાર્યવાહી શરૂ કરતા બેંકના બાકીદારોમાં ફફડાટ ફેલાયેલ છે.
