મુંબઈ
આઇપીએલ ૨૦૨૨ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર રમત બતાવીને ટાઇટલ કબજે કર્યું. ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે હરાવીને ગુજરાતે પ્રથમ આઇપીએલ સિઝનમાં ટાઇટલ જીતી કમાલનું પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા તેના શ્રેષ્ઠ ફોર્મમાં દેખાયા, તેણે બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. હાર્દિકે પહેલા ૩ વિકેટ લીધી હતી અને બેટિંગમાં ૩૪ રનની ઇનિંગ રમી હતી અને ટીમને ટાર્ગેટની નજીક લઈ ગયો હતો. ગિલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. જીત બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાશા દોડીને મેદાન પર આવી અને તેના પતિ પંડ્યાને ગળે લગાવી લીધો હતો. આ પ્રસંગે નતાશા ખૂબ જ ભાવુક જાેવા મળી હતી. આ સીઝન દરમિયાન હાર્દિકની પત્ની સ્ટેડિયમમાં મેચ જાેવા આવી હતી અને પ્રેક્ષક ગેલેરીમાંથી ચીયર કરતી જાેવા મળી હતી. હાર્દિકને આખી સિઝનમાં નતાશા તરફથી ઘણો સપોર્ટ મળ્યો હતો.


