Manipur

ઈંગ્લેન્ડે મહિલા ટીમે પાકિસ્તાન ટીમને કચડી નાખ્યું

ઇંગ્લેન્ડ
વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્‌ડ કપમાં મોડેથી ફોર્મ પરત મેળવ્યા બાદ તેને જાળવી રાખીને ઇંગ્લેન્ડની મહિલા ટીમે ગુરુવારે ફરી એક વાર શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વખતે તેણે પાકિસ્તાની મહિલા ટીમને નવ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ માટેની પોતાની આશા જીવંત રાખી હતી. આ વિજય સાથે ઇંગ્લેન્ડ ચોથા ક્રમે પહોંચી ગયું છે જ્યારે પાકિસ્તાન છેક છેલ્લા સ્થાને છે. દરમિયાન ભારતીય ટીમ અત્યારે પાંચમા ક્રમે છે અને તેણે અંતિમ લીગ મેચમાં સાઉથ આફ્રિકા સામે જીતવું ફરજિયાત બની ગયું છે. જ્યારે ઇંગ્લેન્ડને બાંગ્લાદેશ સામે રમવાનું છે. ભારત અને ઇંગ્લેન્ડ હાલમાં છ છ પોઇન્ટ ધરાવે છે. ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યા બાદ ઇંગ્લેન્ડે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને હરીફ ટીમને ૧૦૫ રનમાં આઉટ કરી દીધી હતી. જવાબમાં ઇંગ્લેન્ડે ૧૯.૨ ઓવરમાં માત્ર એક જ વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો. આમ ઓછી ઓવરમાં રન કરી લેવાને કારણે ઇંગ્લેન્ડનો નેટ રનરેટ પણ બહેતર બની ગયો હતો. ઇંગ્લેન્ડે ૧૮૪ બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. મેચના પ્રારંભથી જ ઇંગ્લેન્ડની બોલર્સે વર્ચસ્વ જમાવી દીધું હતું. મેચના પહેલા જ બોલે કેથરિન બ્રન્ટે પાકિસ્તાની ઓપનર નાદિયા ખાનને પેવેલિયન ભેગી કરી દીધી હતી. તેણે ૧૭ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી તો લેફ્ટ આર્મ સ્પિનર સોફી એકેલસ્ટોને ૧૮ રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી. પાકિસ્તાન માટે ઓપનર આમીને ૩૨ અને સિદરા નવાઝે ૨૩ રન ફટકાર્યા હતા. આ સિવાય પાકિસ્તાનની આઠ ખેલાડી તો ડબલ ફિગર સુધી પણ પહોંચી શકી ન હતી. ૧૦૬ રનના આસાન ટારગેટ સામે રમતી ઇંગ્લેન્ડની ટીમે પણ ઓપનર ટેમ્મી બ્યુમોન્ટની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી પરંતુ ત્યાર બાદ ડેનિયલ વેઇટ અને હિથર નાઇટે વધુ કોઈ નુકસાન થવા દીધા વિના ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી હતી. ડેનિયલ વેઇટે ૬૮ બોલમાં ૧૧ ચોગ્ગા સાથે અણનમ ૭૬ રન ફટકાર્યા હતા તો હિથર નાઇટ ૨૪ રન સાથે અણનમ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *