ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં પોતાની ખુરશી બચાવવાનો પ્રયાસ કરી રહેલા વડાપ્રધાન ઈમરાન ખાને તેમની પાર્ટીના ધારાસભ્યોને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના દિવસે મતદાન કરવાથી દૂર રહેવા અથવા તે દિવસે નેશનલ એસેમ્બલીના સત્રમાં ભાગ ન લેવા જણાવ્યુ છે.પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાંસદોને લખેલા પત્રમાં વડાપ્રધાન ખાને કહ્યું કે, “પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના તમામ સભ્યોએ તે દિવસે નેશનલ એસેમ્બલીની બેઠકમાં મતદાન કરવાથી દૂર રહેવુ જાેઈએ, જ્યારે આ પ્રસ્તાવ પર મતદાન કરવાનું હોય ત્યારે હાજરી આપશો નહીં.” ઈમરાને કહ્યું કે, તમામ સભ્યોએ તેમના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવું જાેઈએ અને પાકિસ્તાનના બંધારણની કલમ ૬૩ (છ)ની જાેગવાઈ પાછળના ઈરાદાને ધ્યાનમાં રાખવો જાેઈએ. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા નથી અને ખાન આ પડકારનો સામનો કરનારા ત્રીજા વડાપ્રધાન છે. ગુરુવારે પાકિસ્તાની સંસદના નીચલા ગૃહમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. ગૃહમંત્રી શેખ રાશિદે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન એપ્રિલના પહેલા સપ્તાહમાં થઈ શકે છે. નેશનલ એસેમ્બલીના સત્ર દરમિયાન વિપક્ષી દળોએ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા પછીની તાજેતરની રાજકીય પરિસ્થિતિ પર રાશિદે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ૩૧ માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, ત્યારબાદ ૩ એપ્રિલે મતદાન થશે. સાથે તેણે દાવો કર્યો હતો કે આમાં ઈમરાનનો વિજય થશે. તેમણે વધુમાં કહ્યું કે, તમામ વિમુખ થયેલા સાથી પક્ષો ખાનની આગેવાની હેઠળની સરકારને ટેકો આપવા માટે પાછા આવશે, જેમ કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદ દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ અને વિરોધ પક્ષોએ રવિવાર અને સોમવારે અલગ-અલગ રાજકીય રેલીઓ યોજ્યા બાદ તમામ રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે અને શહેરના એક ભાગમાં કોઈ નાકાબંધી લાદવામાં આવી નથી. રશીદે એમ પણ કહ્યું કે સુરક્ષા એજન્સીઓએ રાજધાનીને મોટી ઘટનાથી બચાવતા ઓછામાં ઓછા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે


