પાકિસ્તાન
જાે શાહિદ આફ્રિદી પાકિસ્તાન સુપર લીગ ની ૭મી સિઝનમાંથી બહાર થઈ ગયો તો શુ વાંધો. શાહીન શાહ આફ્રિદી તો ત્યાં જ છે. ફરક માત્ર નામનો છે. સરનેમ એક જ છે અને અમુક અંશે તેણે પણ આવું જ કંઇક કર્યું છે. પેશાવર ઝાલ્મી અને લાહોર કલંદર વચ્ચે મેચ હતી. આ મેચમાં શાહીન શાહ આફ્રિદી લાહોર કલંદરની ટીમનો કેપ્ટન હતો. પેશાવર ઝાલ્મીએ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૫૮ રન બનાવ્યા હતા. જવાબમાં, જ્યારે લાહોર કલંદર્સ ટાર્ગેટનો પીછો કરવા માટે આવ્યા ત્યારે તેને જીતવા માટે છેલ્લી ઓવરમાં ૨૪ રનની જરૂર હતી. અને, શાહીન શાહ આફ્રિદી સ્ટ્રાઇક પર હતો. પેશાવર જાલ્મી તરફથી મોહમ્મદ ઉમરે અંતિમ ઓવર ફેંકી હતી. તેણે ઓવરનો પહેલો બોલ વાઈડ ફેંક્યો. ત્યારપછી પ્રથમ લીગલ બોલ પર શાહીન આફ્રિદીએ તેને ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલને હવામાં લહેરાવીને સિક્સર માટે મોકલ્યો. તેણે ત્રીજા બોલ પર સિક્સર પણ ફટકારી હતી. આ પછી ઓવરનો ૪મો અને ૫મો બોલ ખાલી ગયો હતો. હવે છેલ્લા બોલ પર સિક્સર મારવાથી જ મેચ ટાઈ થઈ શકે એમ હતી, પરંતુ જીતી શકાય નહીં. લાહોર કલંદર્સના કેપ્ટને પણ આ જ કામ કર્યું. પાકિસ્તાન સુપર લીગના ઈતિહાસમાં ચોથી સુપર ઓવરની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. અને તેના આર્કિટેક્ટ શાહીન શાહ આફ્રિદી હતા. મોટી વાત એ છે કે લાહોર કલંદર તેમની ત્રીજી સુપર ઓવરની સાક્ષી બનવા જઈ રહી હતી. સુપર ઓવરમાં લાહોર કલંદરે પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ, પેશાવર ઝાલ્મીના ૩૬ વર્ષીય બોલર વહાબ રિયાઝે તેને મોટો સ્કોર ન થવા દીધો. ફખર ઝમા અને હેરી બ્રુકે સુપર ઓવરમાં માત્ર ૫ રન ઉમેર્યા હતા. એટલે કે પેશાવરને ઝાલ્મી સામે ૬ રનનો આસાન ટાર્ગેટ હતો. શોએબ મલિક અને મોહમ્મદ હેરિસે સુપર ઓવરમાં પેશાવર જાલ્મી માટે જવાબદારી સંભાળી હતી. તે જ સમયે શાહીન શાહ આફ્રિદી બોલિંગ પર ઉતર્યો હતો. પરંતુ તેના પહેલા બે બોલ પર બેક ટુ બેક ચોગ્ગા ફટકારીને શોએબ મલિકે મેચ પેશાવર ઝાલ્મીની ઝોળીમાં નાખી દીધી.
