કોઈમ્બતૂર
દુલીપ ટ્રોફીની ફાઈનલમાં અજિંક્યા રહાણેના નેતૃત્વમાં વેસ્ટ ઝોને શાનદાર કમબેક કરતા સાઉથ ઝોનને ૨૯૪ રને હરાવીને ૨૦૨૨નું ચેમ્પિયનનું ટાઈટલ જીતી લીધું છે. સાઉથ ઝોનને જીતવા માટે ૫૨૯ રનનું લક્ષ્ય આપ્યું હતું અને રવિવારે પાંચમાં દિવસે લંચ પૂર્વે જ વેસ્ટ ઝોને મેચ જીતી લીધી હતી. સાઉથ ઝોનની સમગ્ર ટીમ ૨૩૪ રનમાં જ સમેટાઈ ગઈ હતી. આગલા દિવસે નોટ આઉટ રહેલા બેટ્સમેન રવિ તેજાએ ૫૩ રન કર્યા હતા જાે કે તેનાથી મોટો ફરક પડ્યો નહતો. વેસ્ટ ઝોનનો બોલર સેમ્સ મુલાનીએ ૫૧ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત જયદેવ ઉનડકટ તથા અતીત શેઠે બે-બે વિકેટ મેળવી હતી. વેસ્ટ ઝોન તરફથી યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં ૨૬૫ રન ફટકાર્યા હતા અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. સરફરાઝ ખાને બીજી ઈનિંગમાં ૧૨૭ રન કર્યા હતા. પ્રથમ ઈનિંગાં ૫૭ રનથી પાછળ રહ્યા બાદ વેસ્ટ ઝોને બીજી ઈનિંગ ચાર વિકેટે ૫૮૫ રન પર ડિક્લેર કરી હતી. વેસ્ટ ઝોને પ્રથમ ઈનિંગમાં ૨૭૦ રન કર્યા હતા જેના જવાબમાં સાઉથ ઝોને ૩૨૭ રન કર્યા હતા.


