National

ત્રીજી ટી૨૦માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ૬ વિકેટથી, આ શ્રેણી ૨-૧થી જીતી

હૈદરાબાદ
ભારતીય ક્રિકેટ ટીમે ટી૨૦ વર્લ્ડ કપ પૂર્વે મહત્વની ટી૨૦ શ્રેણીમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પછડાટ આપીને રોહિત એન્ડ કંપનીએ આગામી મહિને યોજાનાર વર્લ્ડ કપમાં ચેમ્પિયન તરીકે ઉભરવાનો હુંકાર કર્યો છે. હૈદરાબાદમાં રમાયેલી ર્નિણયાક ટી૨૦માં ભારતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે ભવ્ય વિજય મેળવીને શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. સુર્યકુમાર યાદવના વિસ્ફોટક ૬૯ રન તેમજ વિરાટ કોહલીના ૬૩ રનની મદદથી ભારતે ત્રીજી ટી૨૦માં કાંગારૂ ટીમને પછાડી હતી. ઓસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૮૬ રન કર્યા હતા. જવાબમાં ભારતે ચાર વિકેટે અંતિમ બોલ બાકી હતો ત્યારે ૧૮૭ રન કરીને છ વિકેટે જીત નોંધાવી હતી. સુર્યકુમાર યાદવે પાંચ ચોગ્ગા અને તેટલા જ છગ્ગા ફટકારીને ૩૬ બોલમાં વિસ્ફોટક ૬૯ રન કરતા તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. નિર્ણાયક ટી૨૦માં ટારગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત લથડેલી થઈ હતી. ઓપનર કે એલ રાહુલ (૧) અને કેપ્ટન રોહિત શર્મા (૧૭) ઝડપથી પેવેલિયન પરત ફરતા ભારત દબાણમાં આવી ગયું હતું. જાે કે વિરાટ કોહલીએ એશિયા કપમાં પ્રાપ્ત કરેલા ફોર્મને આગળ ધપાવતા ૪૮ બોલમાં ૬૩ રનની ઈનિંગ રમીને ટીમ માટે જીતનો પાયો નાંખ્યો હતો. તેણે સુર્યકુમાર સાથે ત્રીજી વિકેટ માટે ૧૦૪ રનની વિજયી ભાગીદારી નોંધાવી હતી. સુર્યકુમારે ઓસ્ટ્રેલિયન બોલર્સની ચોતરફથી ધોલાઈ કરી હતી. જાે કે હેઝલવુડના બોલને રમવા જતા તે લોંગ ઓફ પર ફિન્ચના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ૧૬ બોલમાં અણનમ ૨૫ રન ફટકારીને ભારતની જીતની રાહ આસાન બનાવી હતી. કોહલી અંતિમ ઓવરમાં આઉટ થયો હતો અને ફિનિશર દિનેશ એક રન કરી નોટ આઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સેમ્સે બે વિકેટ જ્યારે હહેઝલવુડ અને કમિન્સે એક-એક વિકેટ મેળવી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ભારતે ચુસ્ત બોલિંગના સહારે ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનને શરૂઆતથી અંકુશમાં રાખ્યા હતા. કેમરૂન ગ્રીન (૫૨) અને ટીમ ડેવિડે (૫૪) દમદાર બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૧૮૦ને પાર પહોંચાડ્યો હતો. ભુવનેશ્વર, ચહલ અને હર્ષલે એક-એક સફળતા મેળવી હતી. ભારતીય સ્પિનર અક્ષર પટેલે વધુ એક વખત તરખાટ મચાવતા ત્રણ વિકેટ ઝડપી હતી. સિરીઝમાં આઠ વિકેટ ઝડપવા બદલ અક્ષરને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *