સિલહટ
ભારતીય વિમેન્સ ટીમે સોમવારે એશિયા કપમાં મલેશિયા સામે આસાન જીત મેળવીને સળંગ બીજી મેચમાં વિજયરથને આગળ વધાર્યો હતો. શભ્ભીનેની મેઘનાએ પોતાની ટી૨૦ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારવાની સાથે ભારતને જીત તરફ દોરી ગઈ હતી. વરસાદને પગલે પ્રભાવિત મેચમાં ભારતનો મલેશિયા સામે ડકવર્થ લુઈસ નિયમ મુજબ ૩૦ રને વિજય થયો હતો. ભારતીય વિેમેન્સ ટીમે મેઘનાના ૫૩ બોલમાં ૬૯ રનની મદદથી ચાર વિકેટે ૧૮૧ રન કર્યા હતા. જવાબમાં મલેશિયાની ટીમે વરસાદના વિઘ્નને પગલે ૪૭ના લક્ષ્ય સામે ૫.૨ ઓવરમાં બે વિકેટે ફક્ત ૧૬ રન કર્યા હતા. ભારતીય ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે બીજા ક્રમે પહોંચ્યું છે. બીજી મેચમાં ભારતીય ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના સ્થાને મેઘનાને તક આપવામાં આવી હતી. મેઘનાએ મલેશિયાની બોલર્સની ચોતરફ ધોલાઈ કરી હતી. તેણે ૧૧ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ટી૨૦ કારકિર્દીની શ્રેષ્ઠ ૬૯ રનની ઈનિંગ રમી હતી. ઓપનર શેફાલી વર્મા (૪૬)એ પણ તેનો સાથ આપતા પ્રથમ વિકેટ માટે ૧૧૬ રનની ભાગીદારી નોંધાવી હતી. રિચા ઘોષ ૪૬ રન કરી નોટ આઉટ રહી હતી. કિરણ (શૂન્ય) અને રાધા (૮) બેટિંગમાં ખાસ સફળ રહી નહતી. હેમલતા ૧૦ રન કરી અણનમ રહી હતી. મલેશિયા તરફથી વિનિફ્રેડ અને નુર દાનિયાએ બે-બે વિકેટ મેળવી હતી. વરસાદને પગલે મલેશિયાની બીજી બેટિંગમાં ૫.૨ ઓવરની રમત શક્ય બની હતી અને તેણે ફક્ત ૧૬ રન કર્યા હોવાથી ડકવર્થ લુઈસ મેથડના આધારે ભારતીય વિમેન્સ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. દીપ્તિ અને રાજેશ્વરીએ ભારતને એક-એક સફળતા અપાવી હતી. મેઘનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી.

