લાહોર
ઈંગ્લેન્ડે યજમાન પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે નિર્ણાયક ટી૨૦માં ૬૭ રને હરાવીને ૪-૩થી શ્રેણી વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડે ૧૭ વર્ષ બાદ સૌપ્રથમ વખત પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાનની ટીમે સાતમી અને અંતિમ ટી૨૦માં કંગાળ બોલિંગ તથા બેટિંગ કરતા તેનો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટે ૨૦૯ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે ૧૪૨ રન જ કરી શક્યું હતું. ઈંગ્લેન્ડનો બેટ્સમેન ડેવિડ મલાન ૪૭ બોલમાં અણનમ ૭૮ રન કરી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. મલાને આ સાથે શ્રેણીમાં તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડના ૨૧૦ રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત કંગાળ રહી હતી. ઓપનર મોહમ્મદ રિઝવાન એક રને જ્યારે કેપ્ટન બાબર આઝમ ચાર રને આઉટ થતા ઉપરા ઉપરી બે ફટકા પડ્યા હતા. શાન મસૂદે (૫૬), ઈફ્તિખાર (૧૯) અને ખુશદિલ (૨૭) બે આંકડામાં સ્કોર નોંધાવી શક્યા હતા. આ સિવાય પાકિસ્તાનના અન્ય બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા. ક્રિસ વોક્સે ત્રણ વિકેટ, ડેવિલ વિલીએ બે તથા ટોપ્લી, રાશિદ અને કરને એક-એક વિકેટ મેળવી હતી. પાકિસ્તાને ટોસ જીતીને ઈંગ્લેન્ડને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. મલાન ૭૮ રન કરીને અણનમ રહ્યો હતો. ડકેટ્ટે ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે હેરી બ્રુક ૪૬ રન કરી નોટ આઉટ રહ્યો હતો. બ્રુકે સીરિઝમાં ૨૩૮ રન કર્યા હોવાથી તે પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો હતો.

