નવીદિલ્હી
છેલ્લા એક મહિનામાં દેશમાં એક્ટિવ કેસમાં ૭.૫ ગણો વધારો થયો છે. ૩ માર્ચે એક્ટિવ દર્દીઓની સંખ્યા ૨ હજાર ૬૮૬ હતી જે વધીને ૨૦ હજાર ૨૧૯ થઈ ગઈ છે. આ સંખ્યા ઓક્ટોબર પછી સૌથી વધુ છે. અગાઉ ૨૩ ઓક્ટોબરે એક્ટિવ કેસ ૨૦ હજાર ૬૦૧ હતા. બીજી તરફ છત્તીસગઢની એક ગર્લ્સ હોસ્ટેલમાં ૧૯ વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ મળી આવી હતી. દરેકને ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે. આ વિદ્યાર્થિનીઓના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ૪૦ દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૯૧૦% નો વધારો થયો છે. ૨૨ ફેબ્રુઆરીએ દેશમાં માત્ર ૨ હજાર એક્ટિવ કેસ હતા, જે ૨ એપ્રિલ સુધીમાં વધીને ૨૦ હજારથી વધુ થઈ ગયા. દેશમાં ફેબ્રુઆરીમાં રોજના નવા કેસ ૨૦૦ કરતા ઓછા હતા, માર્ચના પહેલા સપ્તાહમાં દૈનિક કેસનો આંકડો ૩૦૦ સુધી પહોંચ્યો છે, ૧૮ માર્ચે ૧૦૭૧ કેસ નોંધાયા હતા. જ્યારે, ૨૯ માર્ચથી રોજના ૩૦૦૦ કરતા વધુ કેસ મળી રહ્યા છે. દેશમાં કોરોનાના ૩૬૪૧ નવા કેસ નોંધાયા હતા. ૧૮૦૦ લોકો સાજા થયા છે, જ્યારે ૧૧ લોકોના મોત થયા છે. સૌથી વધુ કેસ દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાંથી મળી રહ્યા છે. આ રાજ્યોમાં એક હજારથી વધુ એક્ટિવ કેસ છે.મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર જાેવા મળી રહી છે. આ બંને રાજ્યોમાં ૨ હજારથી વધુ એક્ટિવ કેસ છે. સોમવારે મહારાષ્ટ્રમાં ૨૪૮ નવા કેસ સામે આવ્યા, જ્યારે ૧ દર્દીનું મોત થયું. જ્યારે, ગુજરાતમાં ૨૩૧ નવા કેસ મળ્યા હતાં સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી. કેરળમાં સૌથી વધુ ૪૭૪૦ એક્ટિવ કેસ નોંધાયા હતા. કોરોનાના પ્રારંભિક તબક્કાથી અત્યાર સુધીમાં રાજ્યમાં ૭૧ હજારથી વધુ લોકોના મોત થયા છે.દિલ્હીમાં ફરી એકવાર કોરોનાની ગતિ વધી છે. અહીં ૨૯૩ નવા કેસ નોંધાયા હતા. બે લોકોના મોત પણ થયા હતા. ૨ એપ્રિલે રાજધાનીમાં ૪૨૯ કેસ નોંધાયા હતા. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ૧૮%થી વધુ છે. એટલે કે ટેસ્ટિંગ દરમિયાન ૧૦૦માંથી ૧૮ લોકો સંક્રમિત જાેવા મળે છે. દિલ્હી સરકારનું કહેવું છે કે કોરોનાના ખતરાને જાેતા સરકાર એલર્ટ છે. કોરોના સામે લડવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં કોવિડના નવા કેસ વધવા માટે કોરોનાનો એકસબીબી ૧.૧૬નું નવો વેરિયન્ટ જવાબદાર છે. દિલ્હીના એક સીનિયર ડૉક્ટર ડૉ. સંદીપ નાયરે કહ્યું- કોરોનાનો જે સ્ટ્રેન આવ્યો છે તેણે વધુ ગંભીર સ્વરૂપ લીધું નથી. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ લોકોમાં હળવા લક્ષણો જાેવા મળ્યા છે, મોટાભાગના લોકો ઘરે જ દવાઓ લેવાથી સાજા થઈ રહ્યા છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. હરિયાણામાં વધી રહેલા કોરોના સંક્રમણને જાેતા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. મંત્રી અનિલ વિજે સોમવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર છે, અધિકારીઓએ તેનું સખતપણે પાલન કરવું પડશે. નોઇડામાં ઝડપથી વધી રહેલા કોવિડ કેસ માટે ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ એકસબીબી.૧ જવાબદાર છે. હાલના કેસોના જીનોમ વિશ્લેષણ દ્વારા આ બહાર આવ્યું છે. નોઈડામાં મોટાભાગના દર્દીઓમાં આ સબ-વેરિયન્ટ જ છે. આ સિવાય એકસબીબી.૧.૫, એકસબીબી.૨.૩ પેટા વેરિયન્ટના દર્દીઓ પણ છે. એકસબીબી.૧ એ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. તેની સ્પીડ પહેલા કરતા ૧૦૪ ગણી વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં નવા કેસોમાં અચાનક વધારો થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં નવા કેસોમાં ૪૩૭% નો વધારો નોંધવામાં આવ્યો છે અને આ માટે નવો ઓમિક્રોન વેરિયન્ટ એકસબીબી.૧.૧૬ જવાબદાર છે. આ પ્રકાર બીએ.૨.૧૦.૧ અને બીએ.૨.૭૫ નો રિકંબાઈન્ડ છે.


