નવીદિલ્હી
વર્લ્ડ બેન્કએ તેના એક રિપોર્ટમાં કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં ખપતમાં નરમીને લીધે ભારતનો જીડીપી ઘટીને ૬.૩ ટકા રહેવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે અગાઉ દેશનો જીડીપી ૬.૬ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. વર્લ્ડ બેન્કએ તેના ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં જણાવ્યું કે ખપતમાં ધીમી વૃદ્ધિ અને પડકારજનક બાહ્ય સ્થિતિઓને કારણે વિકાસદર અવરોધાવાની શક્યતા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે લોન મોંઘી થતા અને આવકમાં ધીમી વૃદ્ધિથી અંગત વપરાશની વૃદ્ધિ પર અસર થશે અને મહામારી સંબંધિત રાજકોષીય સમર્થન ઉપાયોને પાછા ખેંચવાના કારણે સરકારી ખપતમાં પણ ધીમી વૃદ્ધિનું અનુમાન છે. રિપોર્ટમાં ચાલુ ખાતાની ખોટ નાણાકીય વર્ષ ૨૦૨૪માં ઘટીને ૨.૧ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે જે ગત નાણાકીય વર્ષમાં ૩ ટકા હતી. ફુગાવા અંગે વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં કહેવાયું છે કે તે ઘટીને ૫.૨ ટકા રહી જશે જે તાજેતરમાં ખતમ થયેલા નાણાકીય વર્ષમાં ૬.૬ ટકા હતો. અમેરિકા અને યુરોપના બજારોમાં જારી ઉથળ-પાથળે ભારતીય બજાર માટે જાેખમ ઊભું કર્યું છે. વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓ અનુસાર ભારતની સેવાનિકાસ ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ હતી. તેનાથી અર્થતંત્રને બાહ્ય જાેખમથી બચાવવામાં મદદ મળશે કેમ કે ધીમા વૈશ્વિક અર્થતંત્રને કારણે દેશની વ્યાપારિક નિકાસ પર અસર થવાની શક્યતા છે.
