નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ટીમે બે ટેસ્ટ મેચની સિરીઝ ૧-૦થી જીતી લીધી હતી અને વન-ડે સિરીઝમાં તેનો ૨-૧થી વિજય થયો હતો. જાેકે, વન-ડેમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. બીજી વન-ડેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી રમ્યા ન હતા. જેને કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી અને મિડલ ઓર્ડરનો ધબડકો થયો હતો. ભારતે પ્રથમ વન-ડેમાં પાંચ વિકેટે વિજય નોંધાવ્યો હતો. બાદમાં યુવાનોને તક આપવા માટે બીજી વન-ડેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતચો. રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી૨૦ મેચમાં પણ ભારતનો પરાજય થયો હતો. ભારતીય ટીમ આ વર્ષે રમાનારા વર્લ્ડ કપમાં રોહિત અને કોહલી પર વધારે પડતો આધાર રાખે છે તેવા પ્રશ્નના જવાબમાં ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ જણાવ્યું હતું કે, જ્યારે તમે વન-ડે ક્રિકેટ રમો છો ત્યારે તમારી ઈનિંગ્સને વેગ કેવી રીતે આપવો તે મહત્વનું હોય છે. વેસ્ટ ઈન્ડિઝ સામે કોહલી અને રોહિતની ગેરહાજરીમાં મિડલ ઓર્ડરનો ધબડકો થયો હતો. થિંક ટેન્ક દ્વારા કોહલી અને રોહિતને જે હેતુથી આરામ આપવામાં આવ્યો હતો તે હેતુ પાર પડ્યો ન હતો. વર્લ્ડ કપ અગાઉ આપણે ઘણા નવા ખેલાડીઓને જવાબદારી આપવામાં આવી હોય તેવું જાેયું છે. આ યુવાન ખેલાડીઓએ તેમને મળેલી તકનો ફાયદો ઉઠાવવો જાેઈએ. તેમણે પોતાની ઈનિંગ્સને કેવી રીતે વેગ આપવો તે શીખવું જાેઈએ, ખાસ કરીને વન-ડે ક્રિકેટમાં આ વાત ઘણી જ મહત્વની હોય છે તેમ ઓઝાએ કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે, આ સમસ્યાનું શક્ય તેટલી ઝડપથી સમાધાન લાવવું જાેઈએ જેથી કરીને અત્યંત મહત્વની મેચમાં જાે આપણે આપણા અનુભવી ખેલાડીઓને ગુમાવી દઈએ તો પણ યુવાન ખેલાડીઓ તેને સરળતાથી મેનેજ કરી શકે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ આ યુવાન ખેલાડીઓ માટે ઘણી મહત્વની છે. નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વન-ડેમાં ટીમનો ધબડકો થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં ટીમ ૪૦.૫ ઓવરમાં ૧૮૧ રનમાં જ ઓલ-આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના સ્થાને સંજુ સેમસન અને અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. સેમસન નવ અને અક્ષર ફક્ત એક રન નોંધાવીને આઉટ થયા હતા. વેસ્ટ ઈન્ડિઝે ૩૬.૪ ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર પાડ્યો હતો.


