22મી એપ્રિલ ‘પૃથ્વી દિવસ’ નિમિત્તે વિકલ્પ સંસ્થાની આગેવાની હેઠળ એચ.ડી.આર.સી. અમદાવાદ ખાતે એક મિટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાતના જુદાજુદા વિસ્તારોમાં પર્યાવરણના મુદ્દે કામ કરતા 35 જેટલા કર્મશીલો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ મિત્ર તથા HDRCના સહયોગથી યોજાયેલ આ મિટિંગનો આશય કલાઈમેટ ચેન્જને કારણે જમીનની સુરક્ષા અને સંરક્ષણ પ્રત્યે લોકને સચેત કરવાનો હતો. સવારના 10:00 થી સાંજના 5:00 સુધી ચાલેલ આ મિટિંગમાં જાણીતા પર્યાવરણવિદ શ્રી મહેશ પંડ્યા, અશોકભાઈ શ્રીમાળી, હિમાંશુ બેંકર, તુષારભાઈ પંચોળી, અસીમ રોય, ફાલ્ગુની જોશી, અલકા પ્રજાપતિ તથા ડૉ. મુકેશ લકુમ જેવા તજજ્ઞો મોજુદ રહ્યા હતા. ‘સ્ટેન્ડ ફોર લેન્ડ’ના સ્લોગન હેઠળ યોજાયેલી આ મિટિંગમાં જમીન બચાવવા અને તેને ફળદ્રુપ બનાવવા, જમીન સબંધિત સમસ્યાઓ, જમીન પર નભતા લોકોની સમસ્યાઓ અંગે લોક જાગૃતિ અને ઉકેલ માટે સંયુક્ત રીતે કાર્ય કરવા સહુને હાંકલ કરવામાં આવી હતી.


