બોડેલી તાલુકાના ધોડીવાવ ગામે ખેતરમાં પોતાની માતાના ખોળામાં રમી રહેલા પાંચ વર્ષના બાળક યુગ રાઠવા ઉપર દીપડાએ હુમલો કર્યો. યુગને ગળાના ભાગેથી પકડી દીપડો નાસી ગયો અને દૂર ઝાડ ઉપર યુગને લઈને ચઢી ગયો. દીપડાને પાછડ યુગના પિતા લાલસિંહ રાઠવા અને માતા સાથે આસપાસના લોકો દોડ્યા અને વૃક્ષ ઉપરથી દીપડાના જબડા માંથી યુગને છોડાવ્યો. ગંભીર હાલતમાં યુગને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવાની ફરજ પડી જ્યા સારવાર દરમિયાન યુગનું મોત થયું છે. બાળકના મોતના પગલે ધોડિવાવ ગામમાં માતમનો માહોલ છે, પોતાના લાડકવાયા દીકરાને ગુમાવનાર પરિજનો ઉપર દુઃખનો પહાડ તુટી પડયો છે. તો દીપડાના ખૌફની વચ્ચે ગામમાં ભયનો માહોલ છે.
એક સપ્તાહમાં આ વિસ્તારમાં આ બીજો બનાવ છે પ્રથમ મુલધર ગામે બે વર્ષના બાળકને દીપડાએ શિકાર બનાવ્યો અને હવે ધોડીવાવ ગામે વધુ એક બાળકનો જીવ લીધો છે. છેલ્લા એક સપ્તાહથી દીપડાના આતંકને લઈ મલધર, ધોડીવાવ, ટીંબી, જબુગામ સહિત આસપાસના દસ કિલોમીટર વિસ્તારમાં લોકો ભયના ઓથાર હેઠળ છે. ખેડૂતોએ ખેતરે જવાનું બંધ કરી દીધું છે, તો બાળકોને શાળાએ મોકલતા પણ વાલીઓ ખચકાઈ રહ્યા છે , બીજીતરફ વન વિભાગે 14 પાંજરા ગોઠવ્યા છે અને 11 ટીમો બનાવી 100 અધિકારીઓ અને કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરી દીપડાને પાંજરે પુરવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ દીપડો હાથે ના લાગતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


