અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય
ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક- અધિકારો વિષે માહિતગાર કરવા માટે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ અને આશાદીપ
વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર- 2023' ગત તા. 02 એપ્રિલના રોજ
યોજાઈ હતી.
આ નિઃશુલ્ક શિબિરમાં જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સત્તારભાઈએ દિવ્યાંગ સમુદાયોને મળતા હક્ક- અધિકારો વિષે
માહિતી આપી હતી. PWD-2016 ની કલમ- 23 ની જોગવાઈ અંગે દિવ્યાંગ લાભાર્થીઓને સરળ ભાષામાં સમજણ પુરી
પાડી હતી. જિલ્લામાં જે- તે કચેરીઓમાં દિવ્યાંગ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુંક કરવાની થતી હોય, દિવ્યાંગતાના
પ્રમાણપત્ર અને તબીબી અધિક્ષકશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા પ્રસારપત્ર, જિલ્લા વિકલાંગ પુનર્વસન કેન્દ્રની જાહેરાત અને માનવ
કલ્યાણ યોજના- 2023- 24 વિષે સમજણ પુરી પડાઈ હતી.
ગત તા. 16 થી 20 માર્ચ દરમિયાન પુના, મહારાષ્ટ્રમાં '21 મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ- 2022- 23' યોજાઈ
હતી. જેમાં જામનગર જિલ્લાને ગૌરવ અપાવનાર ઊંચી કૂદના સિલ્વર મેડલ વિજેતા દિવ્યાંગ ખેલાડી શ્રી ચંદ્રેશ એમ. બગડાનું
સમિતિના સદસ્યો દ્વારા શાલ- કેપ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં ચેલા ગ્રામ ઉપ સરપંચ શ્રી
કિરણસિંહ સોલંકી, દિગ્વિજય ગ્રામ પંચાયત સદસ્ય શ્રી રમીલા રાઠોડ, સામાજિક કાર્યકર શ્રી શનિભાઈ સત્રોટિયા તેમજ 45
જેટલા દિવ્યાંગ બાળકોના વાલીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે દિવ્યાંગ બાળકોને આઈસ્ક્રીમનું
વિતરણ કરાયું હતું.
ઉપરોક્ત શિબિરને સફળ બનાવવા માટે દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના અધ્યક્ષ શ્રી પ્રફુલાબેન મઁગે, દિવ્યાંગ કાર્યકર શ્રી
રિયાબેન ચિતારા, શ્રી વિજય વોરા, શ્રી બિપીન અમૃતિયા, શ્રી દીપક સંચાણીયા, શ્રી હિરેન મેહતા, શ્રી જલ્પાબેન મચ્છર અને
શ્રી પુષ્પાબેન વોરાએ જહેમત ઉઠાવી હતી. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સત્તારભાઈ એમ. દરદાજાની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.


