ડીસા
ડીસામાં બનાસ પુલ પર પાઇપો ભરેલા ટ્રેલરનો અકસ્માત સર્જાતા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હોવાની ઘટના સામે આવી છે. અચાનક બ્રેક મારતા ટ્રેલરમાં ભરેલી પાઇપો કેબિનમાં ઘુસી જતા ચાલકનું કચડાઈ જતા મોત થયું હતું. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના નાગુથાણાથી લોખંડની પાઈપો ભરીને એક ટ્રેલર રાજસ્થાનના બાડમેર તરફ જઈ રહ્યું હતું. આ ટ્રેલર ડીસામાં બનાસકુલ પરથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત સજાયો હતો. અચાનક બ્રેક મારતા જ ટ્રેલરમાં સાંકળ અને સેફટી બેલ્ટ ઢીલા થઈ જતા લોખંડની પાઇપો કેબિનમાં ઘુસી જતા ચાલક પોખરસિંહ રાવત કચડાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે ડીસા તાલુકા પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને લોખંડની પાઇપોથી કચડાઈ ગયેલા કેબીન વચ્ચે ફસાઈ ગયેલી લાશને બહાર કાઢવા માટે તંત્ર સહિત લોકોએ ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. બાદમાં મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અકસ્માતના કારણે રોડ પર થયેલા ટ્રાફિકને પણ પોલીસે ખુલ્લો કરાવી અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.


