સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી કેશુભાઈ ભાવસારનો જન્મ ભાવનગરમાં ૧૯૧૦માં થયો હતો. તેમણે માતા -પિતા પાસેથી ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું. તેમને પિતા ભગવાનભાઈ કેશવના નામથી બોલાવતા. તેઓ બાળપણથી આઝાદીના રંગે રંગાઈ ગયા હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું હતું. તેઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ શિક્ષક તરીકે ભાવનગરમાં જોડાયા હતા. તેમણે પોતાના શિક્ષણ કાર્ય દરમિયાન વિધાર્થીઓને સત્યનિષ્ઠા , પ્રમાણિક્તા અને અહિંસાના પાઠ ભણાવ્યા હતા.
ઇ.સ.૧૯૩૯માં ભાવનગર પ્રજા પરિષદ અધિવેશનનું આયોજન થયું હતું. તેમના અધ્યક્ષ તરીકે શ્રી બળવંતભાઈ મહેતા હતા . આ અધિવેશનમાં સાવરકુંડલાથી પદયાત્રા કરીને શ્રી લલ્લુભાઈ શેઠ, શ્રી અમુલભાઈ ખીમાણી સહિત મિત્ર મંડળના સભ્યોએ ભાગ લીધો હતો. શ્રી કેશુભાઈએ પણ આ અધિવેશનમાં હાજરી આપી હતી. તેઓ શ્રી લલ્લુભાઈ શેઠ અને શ્રી અમુલભાઈ ખીમાણીના ગાંધીવિચાર અને રચનાત્મક કાર્યોથી ઘણા પ્રભાવિત થયા, તેમણે દેશને આઝાદ કરવા માટે સરકારી નોકરી છોડીને દેશ સેવાના કાર્યમાં લાગી ગયા. તેમણે શિક્ષણ , ખેતી અને આરોગ્યને લોકજાગૃતિનું માધ્યમ બનાવ્યું, અને સાવરકુંડલાને કર્મભૂમિ બનાવી . શ્રી કેશુભાઈએ ઇ.સ. ૧૯૪૨ માં ‘ હિન્દ છોડો આંદોલન ‘માં સક્રિય ભૂમિકા ભજવી હતી. ‘ હિન્દ છોડો ‘ આંદોલનમાં લોકજાગૃતિ કરવા બદલ પકડી લેવામાં આવ્યા હતા . તેમને સાત માસની સજા કરવામાં આવી હતી . તેમણે જેલવાસ દરમિયાન અનેક યાતનાઓ ભોગવી હતી. તેઓ જેલમુકત થયા બાદ પાછા દેશની આઝાદીના કામમાં લાગી ગયા હતા. ઇ.સ.૧૯૪૫ માં ગાંધીજી એ વર્ધા ખાતે શેક્ષણિક સંમેલનનું આયોજન કર્યું હતું. વર્ધા સંમેલનમાં શ્રી કેશુભાઈએ હાજરી આપી હતી. તેઓ સંમેલનમાંથી પરત આવી, શ્રી લલ્લુભાઈ શેઠ અને શ્રી અમુલભાઈ ખીમાણી સાથે કલાકો સુધી શિક્ષણ સંદર્ભે ચિંતન કર્યું હતું. ઇ.સ. ૧૯૪૬માં તેઓ કુંડલા ગ્રામ સેવા મંડળના સ્થાપક સભ્ય હતા. ઇ.સ.૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો ત્યારે ગાઘકડાનો પ્રશ્ર્ન ઉદભવતાં આરઝી હકૂમતમાં ભાગ લઈ, ગાધકડાને ભારત સંઘ સાથે જોડ્યુ. ઇ.સ.૧૯૪૮ થી ઇ.સ.૧૯૫૨ દરમિયાન તેમણે ગ્રામ્ય વિસ્તારમાં ફરી સ્ત્રી શિક્ષણ, સાક્ષરતા અભિયાન, સ્વછતા, આરોગ્ય અને ખેતી વધારે મજબૂત થાય તે માટે વિશેષ ભાર મૂક્યો. તેમણે ઇ.સ.૧૯૫૩માં ખડસલી મુકામે ગાંધી વિચાર પ્રમાણે ચાલતી ‘લોકશાળા ‘ શરૂ કરી અને ગ્રામ્ય વિસ્તારને ચેતનવતું બનાવ્યું હતું. તેમણે ઇ.સ.૧૯૫૪માં વિનોબા ભાવે સાથે ફરી ભૂમિવિહાણા ખેતમજૂરોને જમીન આપવી અને આર્થીક રીતે અને સામાજિક રીતે સ્વનિર્ભર બનાવ્યા. તેમણે ઇ.સ. ૧૯૫૫માં ખડસલીથી ‘શિક્ષણ જાગૃતિ ‘ અભિયાન શરૂ કર્યું હતું. ‘ શિક્ષણ જાગૃતિ ‘ અભિયાનમાં ગ્રામ્ય વિસ્તારમાં ફરીને પદયાત્રા કરી હતી . જેમાં લીખાળા , ડેડકડી , છાપરી , વિજપડી , હાડીડા . આદસંગ , જાબાળ , રામગઢ ,લુવારા , દોલતી , આંબરડી , આગરીયા ,વડાળ , ચિખલી , વણોટ , ઘાંડલા . ગોરડકા, વિજયાનગર , બાઢડા વગેરે ગામડાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી . જેથી મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ખડસલી લોકશાળામાં શિક્ષણ લેવા માટે તૈયાર થયા . તેમણે ગામડાના લોકો નીડર બને, પોતાના બળ પર ઊભા રહે અને અસામાજિક તત્વોના પ્રતિકાર કરે તેવા શુભ આશય થી ‘પુનમ મિટિંગ ‘ નું આયોજન કર્યું. ‘પુનમ મિટિંગ ‘ ની વિગત તેઓ ‘ લોકશક્તિ ‘ પત્રિકામાં રજૂ કરીને સમગ્ર સાવરકુંડલા તાલુકાની જનતાને અવગત કરાવતા . શ્રી લલ્લુભાઈ શેઠ ઇ.સ. ૧૯૭૫ થી ૧૯૮૦ દરમિયાન પુરવઠા મંત્રી હતા ત્યારે તેમણે કુંડલા ગ્રામ સેવા મંડળની મહત્વની જવાબદારી અદા કરી હતી. તેઓ આજીવન શિક્ષણ , આરોગ્ય ,ખેતી , વ્યસનમુક્તિ , અસ્પૃશ્યતા નિવારણ અને લોકાભિમુખ કાર્યમાં વિશેષ રસ લઈ સમગ્ર તાલુકાની ઉતમ સેવા કરી હતી. શ્રી કેશુભાઈ , શ્રી લલ્લુભાઈ અને શ્રી અમૂલભાઈને તાલુકાની જનતા ‘ ત્રિપુટી ‘ ના નામે ઓળખાતી હતી. આ ‘ ત્રિપુટીએ પરિવારની ચિંતા કર્યા વિના સતત સમગ્ર તાલુકાની અજોડ સેવા કરી છે . ત્રણેય મહાપુરુષને કોઈ લોભ , લાલચ કે સ્વાર્થ ન હોવાને કારણે દાયકાઓ સુધી મનભેદ કે મતભેદ વિના કાર્ય કરી શકયા. શ્રી કેશુભાઈનું મૃત્યુ ઇ. સ. ૧૯૮૮માં થયું હતું. તેમની શોકસભામાં અશ્રુભીની આંખે શ્રી લલ્લુભાઇ શેઠે કહ્યું હતું કે શ્રી કેશુભાઈ ભાવસારે શિક્ષણ, ખેતી અને આરોગ્ય પર કરેલ કાર્ય હંમેશા સાવરકુંડલાથી જનતા માટે માર્ગદર્શક બની રહેશે
. – રજૂઆત અને સંકલન. – મનીષ ભાઈ બી વિંઝૂડા સાવરકુંડલા


