સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ડીવાયએસપી હરેશ વોરાનો જાહેર જનતા જોગ સંદેશ. ખાસ કરીને વ્યાજચકમાં ફસાયેલા લોકોને ગેરકાયદેસર વ્યાજ વસૂલાતનો ભોગ બનતાં હોય તેવાં તેવાં સાવરકુંડલા શહેર અને તાલુકાના લોકોએ સંલગ્ન પોલીસ સ્ટેશનમાં રજૂઆત અથવા ફરિયાદ નિર્ભિક થઈને કરે. અને કોઇ આવા ગેરકાયદેસર વ્યાજચકનાં ભોગ બનેલ વ્યક્તિ પોતાની રજૂઆત સાવરકુંડલા સ્થિત ડીવાયએસપી કચેરી ખાતે રૂબરૂ કરવા ઈચ્છે તો પણ કરી શકે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ વ્યાજચકનાં ચક્કરમાં ઘણી વખત ઘણાં પરિવારો ખુવાર થઈ જતાં હોય છે. જો કે આજનાં અર્વાચીન યુગમાં લોન લેવી એ એક ચલણ બની ગયું છે એટલે કાયદેસર વ્યાજથી જાહેર કે ખાનગી બેંકો કે સહકારી મંડળી પાસેથી લોન લેવી એમાં કશું ખોટું પણ નથી. પરંતુ ગેરકાયદે ઉંચા વ્યાજદરે લોન લેવી ન જોઈએ. આપડી ભારતીય સંસ્કૃતિની એક કહેવત પણ છે કે પછેડી પ્રમાણે પગ લાંબા કરાય. જો કે ભારતીય ઋષિ સંસ્કૃતિના ચાર્વાક ઋષિએ કહ્યું હતું કે ઉધાર લઈને પણ ઘી પીવું..એટલે કે ખૂબ જરૂરી હોય તો સ્વાસ્થ્ય સુરક્ષા માટે ઋણ લેવું જોઈએ. પરંતુ વ્યાજનો સર્પ એટલો કાતિલ ન હોવો જોઈએ કે વ્યક્તિ અને પરિવાર રસ્તે રઝળતો થઈ જાય. હા એક વાત પણ ચોક્કસ છે કે સરકારી અને ખાનગી બેંકોમાં વ્યાજે નાણા લેવા માટે ખૂબ જટીલ પ્રક્રિયા હોય શકે અને ગરીબવર્ગ માટે લોન લેવાની ઝંઝટ પણ લોઢાના ચણા ચાવવા જેવી હોય છે. સરકારે પણ આ સંદર્ભે ખૂબ લચીલું વલણ અપનાવવાનો સમય આવી ચૂક્યો છે. અમુક તાત્કાલિક લોન આપતી જાહેરાતોના ચક્કરમાં પણ ન ફસાવું જોઈએ. દેવાદાર થયાં પછી નિરાંતે ઊંઘી પણ નથી શકાતું એટલે સમજી વિચારીને વહેવાર કરવો એ સાંપ્રત સમયનો સાર છે. જો કે એમ તો આપણા જ રાજ્ય પર વ્યક્તિદીઠ ઋણનો ( દેવું) બોજો ઘણો છે. પરંતુ એ તો સરકારી બાબત છે સામાન્ય જનતાને તો ઋણ લેતી વખતે પણ સો વખત વિચારવું જોઈએ.


