શ્રી હનુમાનજી દાદાની જન્મ મહોત્સવ ને અનુરૂપ લેખ ( શ્રી ભૂરખીયા હનુમાનદાદાનો પ્રાગટય ઈતિહાસ). ” બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવનકુમાર,બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ,હરહુ કલેશ વિકાર. વિઘન હરો, મંગલ કરો,તુલસી સીતારામ, અષ્ટ સિદ્ધિ નવ નિધિ દ્યો, ભૂરખિયા હનુમાન.”. ઈતિહાસમાં વર્ણવેલ કથા મુજબ એક વખત ગોહિલ રાજવીનું રાજધાની ગણાતું નાનું છતાં સમૃદ્ધ અને પ્રગતિશીલ સાહિત્યકારોની તીર્થભૂમિ લાઠી રાજ્ય ગોહિલવાડ જીલ્લાનું સંસ્થાન હતું. આઝાદીની ઉષા પ્રગટી અને વર્તમાન હિન્દી સરકારે સૌરાષ્ટ્ર રાજ્યના એકમની રચના કરી ત્યારે પણ લાઠી ગોહિલવાડ જિલ્લામાં જ હતું. ગુજરાત રાજ્યની રચના બાદ હાલ તેને ગોહિલવાડ ( ભાવનગર) માંથી અમરેલી જિલ્લામાં ભેળવી દેવાયું છે. આ લાઠી રાજ્ય સ્વ. રાજવી કલાપીના નામે સાહિત્ય જગતમાં પ્રસિધ્ધિ મેળવી ચૂક્યું છે. લાઠી શહેરથી ફક્ત ૧૦ કિ.મી. દૂર આવેલા ઈતિહાસ પ્રસિદ્ધ ભૂરખિયા હનુમાનજીનું સ્થાન પણ તેટલુંજ જગજાહેર છે. આ સ્થાનને અડીને હનુમાનજીના નામ પરથી વસાવેલ ભૂરખિયા ગામ છે. ભૂરખિયા જવા માટે લાઠી અને દામનગરથી એસ ટી.નિગમની બસો નિયમિત અને હંમેશા ચાલે છે. ખાનગી વાહનોની સગવડતા પણ મળી રહે છે. રેલ્વેમાં ઢસા જં. અને દામનગર થી જઈ શકાય છે. ભૂરખિયા હનુમાનજી દાદાની પ્રાગટય કથા અને મહિમાનું અત્રે પુસ્તકોના આધારે વર્ણન પ્રસ્તુત કર્યું છે,તે મુજબ ભૂરખિયા હનુમાનજીના સ્થાન પાછળ સેકંડો વર્ષોનો પુરાણો ઈતિહાસ અણજાણ્યો છૂપો પડ્યો છે. લાંબા સમયના સંશોધનના અંતે અયોધ્યાના રામાનંદી સંપ્રદાયના સ્થાન સમા રામદુવારા ( ખાખીનો અખાડો ) ના મહંતશ્રી જાનકીદાસ મહારાજે અખાડાના જૂના પુરાણા સંગ્રહસ્થાનમાંથી જમાતોના પડથરાના ચોપડામાંથી સાંપડેલ ઐતિહાસિક માહિતીની ટૂંકી નોંધ જે ગુરૂમુખી હિન્દીમાં લખાયેલ છે તેમાંથી મળેલ હકીકત તથા અન્ય જુદી – જુદી વ્યક્તિઓ પાસેથી મળેલ હકીકતોનું તારણ કરી સળંગ ઈતિહાસની એક રૂપરેખા રૂપે અત્રે રજુ કરવામાં આવી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડા પર આવેલ પ્રાચીન શહેર વિરમગામ ની ભાગોળે એટલે કે ગોલવાડ દરવાજા બહારના મેદાનમાં અયોધ્યાના મહંતશ્રી રઘુવીરદાસજીની જમાતના ત્રણસો જેટલા ફક્કડ ખાખી સાધુઓની ભવ્ય જમાત – નિશાન, ડંકા, છત્તર, છડી અને ચમર જેવા રાજવી ઠાઠવાળી હતી. જેની પાસે દશ હાથી, પચીસ ઊંટ અને જાતવંત ઊંચી જાતના અશ્વ ( ઘોડા) ની પાયગા જેવી રિયાસત સહિત ડેરા,તંબુ, સમિયાણા,ચંદનીઓ અને રાવટીઓ લશ્કરી ઢબે ખડી કરી દીધી હતી. ચોપાસ ફરતી લઠ્ઠાધારી ખાખી બાવાઓની ચોકી ગોઠવાઈ ગઈ હતી. આ જમાતના મહંતશ્રી રઘુવીરદાસજી મહાન અને પ્રભાવશાળી સંત હતા. તેમણે ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં સારી એવી નામના મેળવી હતી. સૌ કોઈ પૂજ્ય ભાવે આ પ્રતાપી મહંત મહાપુરુષને વંદતા હતા. શ્રી દામોદરદાસ ” મહાવીર રામાયણ” ના પ્રખર વક્તા હતા. તેમના પર જમાતના મહંતશ્રીની સંપૂર્ણ કૃપાદૃષ્ટિ હતી. ખાખી બાવાની આ જમાત વિરમગામના પાદરમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી નાખી પડી હતી. સવાર સાંજ ઝાલરો,નગારા, ત્રુઈ અને નાગફણી તેમજ શંખનાદના ગગનભેદી અવાજો સાથે જ્યારે સીતારામજીની આરતી ઉતરતી ત્યારે તે વખતનું વાતાવરણ સ્વર્ગીય અને દિવ્યાનંદથી ભરપૂર બનતું હતું. મહાત્મા દામોદરદાસજી પોતાની સ્વતંત્ર રાવટીમાં એક રાત્રે નિદ્રાધીન થયેલા હતા, પાછલી રાત્રિના સમયે તેમને આવેલ એક અદ્ભુત સ્વપ્નમાં મહાવીર કષ્ટભંજક શ્રી હનુમાનજીના દર્શન થયા અને આદેશ આપ્યો કે ” સભાડ ( હાલનું દામનગર) અને લાઠી વચ્ચે એક મોટું જંગલ છે,આ જંગલમાં એક મોટો ટેકરો છે,તેના પર મોટું બાવળનું ઝાડ છે,ત્યા તમે ચૈત્ર સુદ પૂનમ પહેલા પહોંચી જજો. પૂર્ણિમાની મધ્યરાત્રિએ ( રાત્રિના બાર વાગે ) ત્યાં મારું પ્રાગટય થશે.” આવો આદેશ આપી હનુમાનજી અંતર્ધ્યાન થઈ ગયા અને સંત દામોદરદાસજી એકાએક જાગી ગયા અને આસન પર બેસી સીતારામજીનું સ્મરણ કરવા લાગ્યા. આમ રામસ્મરણ અને વિચારોની પરંપરામાં પરોઢીયું થઈ ગયું. પ્રાતઃ નિત્યકર્મ પૂરું થયું. સૂર્યોદય પણ થઈ ચૂક્યો હતો, ગુરુદેવ મહંતશ્રી રઘુવીરદાસજીની સમીપ જઈને દંડવત્ પ્રણામ કર્યા. અન્ય સંત સાધુઓ પણ મહંતશ્રીના દર્શને આવી ગયા હતા અને સૌ પ્રણામ કરી બેઠા હતા. દામોદરદાસજીએ ચોતરફ દૃષ્ટિ કરીને જોઈ લીધું કે સર્વ સંત સમાજ આવી ગયો છે. દામોદરદાસજીએ ગુરુદેવ અને સંત સમાજને ઉભા થઈ વંદન કર્યા અને ગુરુદેવની આજ્ઞા લઈને રાત્રે આવેલા સ્વપ્નની હકીકત અને હનુમાનજીના આદેશની બીના કહી સંભળાવી તેમજ જમાતમાંથી છૂટા થવાની ગુરુદેવને સવિનય વિનંતી કરી આજ્ઞા માંગી. અને સૌ સહમત થતા,અને કીધુ કે આજ સે તુમ્હારી સર્વ રિતી પ્રગતી શ્રી સીતારામજી કરેંગે. શુભસ્ય શિઘ્રમ્ ભવેત્. આ રીતના આશિર્વાદ આપી સફળતા ઈસ્છી. ત્યારબાદ પગપાળા પ્રવાસ શરૂ કર્યો. વર્ધમાનપુરી ( હાલનું વઢવાણ) થઈને માહિતીના આધારે નિયત સ્થળે આવી પહોંચ્યા. ટેકરી પરથી ભાતીગળ ફૂલોના ગજરા જેવું રૂડું મેથળી ગામ જોયું.એકાદ અઠવાડિયું રોકાણ કર્યા પછી ચૈત્ર સુદ પૂનમની રાત્રે હનુમાનજી દાદાની મૂર્તિ પ્રગટ થઈ. આ અહીંયા ગામ લોકોના સહકાર થી ટ્રસ્ટ બનાવવામાં આવેલ છે.ભોજન અને આરામ માટેની સુંદર વ્યવસ્થા છે.પુજારી પરિવાર ખુબજ પવિત્ર ભાવથી પૂજા વિધિ કરે છે.દાતાઓ તરફથી દાનની સરવાણી શરૂ રહે છે દર ચૈત્ર માસની પુનમે ભવ્ય અને સુંદર મજાનો લોક ભાતીગળ મેળો ભરાય છે. આ સ્થાનને આજે ૪૩૭ વર્ષ થયા ભૂરખિયા હનુમાન દાદા પ્રત્યેની શ્રધ્ધા અને વિશ્વાસ અખંડ જળવાઈ રહ્યો છે.પૂનમના આગલા દિવસ થી લાઠી અને દામનગર તરફ થી ભૂરખિયા જતા માર્ગો પર સેવાના ( ચા – પાણી – નાસ્તા અને આરામની વ્યવસ્થા સેવા મંડળો દ્વારા) શમિયાણ| શરૂ થઈ જાય છે. ભારતભરમાં ૨૫જેટલા સ્વયંભૂ પ્રગટ હનુમાનજીના સ્થાનો ( મંદિર) છે. તે સ્થાનોમાંનું એક આ ભૂરખિયા હનુમાનજીનું સ્થાન છે.જે આપણા સૌના સદ્ – ભાગ્યની વાત છે. હનુમાન ઉપાસનાના પુસ્તકોમાં વિગતવાર ભૂરખિયા પ્રાગટયનો ઉલ્લેખ વાંચવા મળે છે. ચારો જુગ પ્રતાપ તુમ્હારા; હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા. હનુમાનજી મહારાજના જન્મ દિવસ ઉત્સવ પર સૌને જાય ભૂરખિયા હનુમાનજી દાદા સૌનું કલ્યાણ કરો એવી પ્રાર્થના સાથે ભાવના વ્યક્ત કરીયે.( આ લેખ પુસ્તકોના આધારે લખવામાં આવેલ છે ભૂલ ચૂક ક્ષમા ચાહીયે છીએ. ) સંકલન – અતુલ શુક્લ દામનગર.



