આઈ.ટી.આઈ-અમરેલી ખાતે ધો.૧૦ બાદ રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનીંગ કોર્ષમાં તાલીમ પ્રાપ્ત કરીને મોટા આંકડીયાના શ્રી સંદિપભાઈ વઘાસિયા બન્યા ઉદ્યોગ સાહસિક
—
શ્રી સંદિપભાઈએ અમદાવાદ જેવા મેગા સિટીમાં ઓઝોન એર સોલ્યુશન લિ. નામની કંપની સ્થાપી, રુ.૮ કરોડના વાર્ષિક ટર્નઓવરને આગામી ૫-૧૦ વર્ષમાં રુ.૧૦૦ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક
—
“ઉદ્યોગસાહસિક શ્રી સંદિપભાઈ વઘાસિયા નવયુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત
—
મારુ સપનું છે કે, હું IPO લોન્ચ કરીને કંપનીને નવી ઉંચાઈ પર લઈ જાઉ, “આઇ.ટી.આઇ-અમરેલીના તાલીમાર્થીઓને મારે આત્મનિર્ભર બનાવવા માટે મદદરુપ થવું છે” : ઉદ્યોગસાહસિક શ્રી સંદિપભાઈ વઘાસિયા
—
આલેખન અને મુલાકાત : ધર્મેશ એન. વાળા
તસવીર : એમ.એમ. ધડુક
અમરેલી તા.૧૦ ફેબ્રુઆરી, ૨૩ (શુક્રવાર) આઈ.ટી.આઈ-અમરેલી ખાતે ‘સ્કિલ એક્સપો-૨૦૨૩’ અંતર્ગત ‘ફર્સ્ટ મેગા સ્કિલ એક્ઝિબિશન-૨૦૨૩’ યોજાયું હતું. વિવિધ ટ્રેડમાં તાલીમ મેળવતાં પ્રતિભાશાળી તાલીમાર્થીઓએ જાતે બનાવેલા મોડેલ્સ, ચાર્ટ અને ટુલ્સનું અદ્ભૂત પ્રદર્શન આજે અમરેલી ખાતે જોવા મળ્યું હતું. આ સાથે ભૂતપૂર્વ તાલીમાર્થીઓએ તેમના કૌશલ્ય અને વ્યવસાય સંબંધિત સાફલ્ય ગાથાઓ રજૂ કરી પ્રેરણા પૂરી પાડી હતી. આઈ.ટી.આઈ-અમરેલી ખાતે ધો.૧૦ બાદ રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનીંગ ટ્રેડ કોર્ષમાં ૬૫ નંબરની બેચમાં વર્ષ ૨૦૦૭-૨૦૦૯માં તાલીમ પ્રાપ્ત કરીને અમરેલીના મોટા આંકડીયા ગામના શ્રી સંદિપભાઈ વઘાસિયા ઉદ્યોગ સાહસિક બન્યા છે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા શ્રી સંદિપભાઈએ બે વર્ષનો આઇ.ટી.આઇ કોર્ષ પૂર્ણ કર્યા બાદ ગ્રેસ પાવર પ્રા.લી. સહિતની અલગ-અલગ કંપનીમાં ૪ વર્ષ સુધી ખાનગી નોકરી કરી અને પ્રેક્ટિકલ વર્કનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો.
આજે સમ્રગ ભારતમાં સ્કિલ ઇન્ડિયા મિશન અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિમ અંતર્ગત નવયુવાઓ પોતાના સ્કિલને ડેવલપ કરીને સ્ટાર્ટઅપ સ્થાપી આત્મનિર્ભર બની રહ્યા છે. શ્રી સંદિપભાઈએ પણ ગમતા વિષયમાં રસપૂર્વક તાલીમ પ્રાપ્ત કરીને વર્ષ-૨૦૧૨માં અમદાવાદ જેવા મેગા સિટીમાં ઓઝોન એર સોલ્યુશન લિ. નામની કંપનીની સ્થાપના રુ.૭ લાખના રોકાણથી કરી હતી. આજે આ કંપની રુ.૮ કરોડના વાર્ષિક ટર્ન ઓવર સુધી પહોંચી ચૂકી છે. આ કંપની ઇન્ડસ્ટ્રીયલ વોટર ચિલર, હિટ પમ્પ વોડર હિટર, રેફ્રીજરેટેડ એર ડ્રાયર્સ સહિતનું મેન્યુફેક્ચરિંગ કરે છે. શ્રી સંદિપભાઈ પાસે આગામી ૨૫ વર્ષ સુધીનું એક આગવું આયોજન અને તેના માટેનું વિઝન પણ છે. ઉદ્યોગસાહસિક શ્રી સંદિપભાઈ સાથેની રુબરુ મુલાકાતમાં તેમણે પોતાની તાલીમ, નોકરી સહિતના અનુભવો જણાવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનીંગ ટ્રેડમાં અભ્યાસ દરમિયાન મેં દરેક બાબતે કાળજી રાખી હતી અને ધ્યાન આપીને એ તાલીમ મેળવી હતી, જેના થકી આજે તે બાબતો મને મારા વ્યવસાયમાં મદદરુપ સાબિત થઈ રહી છે. આ ઉપરાંત મને ઉદ્યોગ સાહસિક બનવામાં આઇ.ટી.આઇ-અમરેલીનો ખૂબ સારો સહકાર મળ્યો છે. તેઓએ વધુમાં એ પણ જણાવ્યુ કે, મારુ લક્ષ્યાંક આગામી સમયમાં રુ.૧૦૦ કરોડના વાર્ષિક ટર્ન ઓવર સુધી પહોંચવાનું છે, ઉપરાંત IPO લોન્ચ કરીને કંપનીને નવી ઉંચાઈ પર લઈ જવાનું છે.
વિચાર જન્મે, પછી તે વિષયક ઉંડાણપૂર્વકનું મનોમંથન થાય ને પછી સંશોધન અને વિકાસની બાબત પર કામ આગળ વધે, વિચારોમાં કર્મનો ઉમેરો થાય, આત્મ વિશ્વાસ સાથેની મહેનત એક દિવસ ચોક્કસ રંગ લાવે ત્યારે ખરાં અર્થમાં ઉદ્યોગ સાહસિક બની શકાય છે! શ્રી સંદિપભાઈ એવા જ એક યુવા ઉદ્યોગ સાહસિક છે. આત્મનિર્ભર બનવા માંગતા નવયુવાઓ માટે શ્રી સંદિપભાઈ વઘાસિયા ખરાં અર્થમાં પ્રેરણારૂપ છે.


